હળાહળ જુઠ્ઠાણા ચલાવી લોકોને ગુમરાહ કરી સાંસદ બન્યા બાદ હવે લોકશાહીના પવિત્ર મંદિર ગણાતી સંસદમાં પણ મોટાભાગે જુઠ્ઠાણાનો સહારો લઈ સંસદને તો ગુમરાહ કરવાની કોશિષ કરી રહ્યા છે, પરંતુ તેઓ ભૂલી ગયા કે દેશની સંસદમાં જુઠ્ઠાણા લાંબુ ટકતા નથી અને વાસ્તવિક રજૂઆત હોય તો સંસદમાં પરિણામ મળતાં સમય નથી લાગતો
લોકસભાની ચૂંટણી દરમિયાન અને તે પહેલાં ઉમેશભાઈ પટેલના નિશાન ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ જ રહ્યા છે અને સાંસદ બન્યા બાદ પણ પ્રશાસકશ્રી સિવાય સાંસદ પાસે રજૂઆતનો બીજો કોઈ મુદ્દો દેખાતો નથી, પરંતુ સાંસદશ્રીને ખબર નથી કે પ્રદેશના વિકાસ માટે પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલ દ્વારા થઈ રહેલા પરિશ્રમની કોઈ જોડ નથી અને એટલે જ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીશ્રીનો વિશ્વાસ પણ તેમના ઉપર બરકરાર છે
દમણ અને દીવના સાંસદ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલે પાંચ દિવસ પહેલાં 200 દિવસ પૂર્ણ કર્યા છે. 4 જૂન, 2024ના રોજ દમણ અને દીવના બહુમતિલોકોએ પોતાની આશા અને આકાંક્ષા સાથે શ્રી ઉમેશભાઈ પટેલને વિજયી બનાવી દિલ્હી લોકસભામાં મોકલ્યા. આવતી કાલે સાંસદ તરીકે વિજયી બનેલા શ્રી ઉમેશભાઈ પટેલના 206 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. 200 દિવસમાં ચૂંટણી દરમિયાન આપેલા માત્ર બે વચનો પણ પૂર્ણ કરી શકવા અત્યાર સુધી સફળ રહ્યા નથી. દીવના લોકોએ દમણ અને દીવની લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત એક ઉમેદવારને ઐતિહાસિક લીડ આપી વિજેતા બનાવવામાં પોતાની નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આજે દીવના લોકો સ્વયં છેતરાયા હોવાની લાગણી પ્રગટ કરી રહ્યા છે.
ચૂંટણી દરમિયાન શ્રી ઉમેશભાઈ પટેલે હળાહળ જુઠ્ઠાણા ચલાવી લોકોને ગુમરાહ કર્યા હતા. હવે લોકશાહીના પવિત્ર મંદિર ગણાતી સંસદમાં પણ મોટાભાગે જુઠ્ઠાણાનો સહારો લઈ સંસદને તો ગુમરાહ કરવાની કોશિષ કરી રહ્યા છે, પરંતુ તેની સાથે સમગ્ર દેશ અને વિશ્વમાં દમણ-દીવના નામ ઉપર પણ બટ્ટો લગાવવાની ચેષ્ટા થઈ રહી છે.
અમે અહીં કહેવા માંગીએ છીએ કે, સાંસદ તરીકે કેટલીક પરિપક્વતા અને અભ્યાસની અપેક્ષા રાખવામાં આવે છે. રજૂઆતોમાં તથ્યો હોય તો તેને સફળતા મળતાં સમય નથી લાગતો, પરંતુ ભ્રામક રજૂઆતો દેશની સંસદમાં ટકી નથી શકતી તેની ખબર પણ એક સાંસદ તરીકે રાખવી જરૂરી છે.
લોકસભાની ચૂંટણીદરમિયાન અને તે પહેલાં શ્રી ઉમેશભાઈ પટેલના નિશાન ઉપર સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ જ રહ્યા છે. પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ અને દીવના વિકાસ માટે કરેલો પરિશ્રમ જગજાહેર છે. પ્રશાસક તરીકે પ્રદેશમાં સુશાસન સ્થાપવા માટે અપનાવેલા કડક અભિગમથી ઘણાંને વ્યક્તિગત અને સામુહિક નુકસાન પણ થયું છે. ચૂંટણીમાં આવા તત્ત્વો એક મંચ ઉપર આવ્યા હતા અને તેમણે શ્રી ઉમેશભાઈ પટેલને ચૂંટણી જીતવા માટે તન મન અને ધનથી સહયોગ કર્યો હતો જે હવે છાનુ નથી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઘણાં ભીતરઘાતીઓનો પણ સમાવેશ થતો હતો. કેટલાક લોકોને પોતાની સંખ્યાબંધ ઉભી કરેલી ગેરકાયદે ચાલ તૂટવાનો માનસિક ભય સતાવતો હતો, કેટલાકને ઉદ્યોગોમાંથી હપ્તાખોરી બંધ થઈ રહી હતી તેનો ડર હતો તો કેટલાકને પોતાના અસામાજિક સામ્રાજ્ય છીન્નભિન્ન થઈ જશે તેવી દહેશત હતી, અને કેટલાકને સાંસદ તરીકે શ્રી લાલુભાઈ પટેલ ચોથી વખત વિજેતા બને તે હજમ નહીં થતું હતું. તેવા તમામ લોકોએ સાથે મળી ચલાવેલા નેરેટીવના કારણે શ્રી ઉમેશભાઈ પટેલનો વિજય થયો હતો. વિજય થયા બાદ શ્રી પ્રફુલભાઈ પટેલને ત્રણ મહિનામાં હટાવવામાં આવશે એવી શેખી સાંસદ શ્રી અનેક સમારંભોમાં જાહેરમાં મારી ચુક્યા છે. આજે ફક્ત 6 મહિના નહીં પરંતુ 200 દિવસ કરતાવધુ સમય પસાર થઈ ચુક્યો છે પરંતુ પ્રશાસકશ્રી અડીખમ છે, ભારત સરકારને પણ ભરોસો છે અને વિકાસના ક્ષેત્રે દમણ-દીવ નવા નવા મુકામો સર કરવા પણ સજ્જ બની રહ્યું છે.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને દમણ-દીવ અને દાદરા નગર હવેલીની ‘આગવી સંસ્કૃતિ’નો ખ્યાલ જ હોવાથી તેઓ પ્રદેશને સીધી લાઈનમાં દરેક રીતે વિકસિત કરવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપર પોતાનો અટલ વિશ્વાસ ધરાવે છે એમાં કોઈ સંદેહ નથી. હવે દમણ-દીવ સહિત દાદરા નગર હવેલીની જનતા પણ ઈચ્છે છે કે પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે બતાવેલી પોતાની આત્મિયતાથી પ્રદેશ વિકાસની નવી નવી ઊડાનો ભરવા સજ્જ બનશે અને પ્રદેશના લોકોના જીવન-ધોરણમાં પણ અનેકગણો સુધારો આવશે.
એક્સ્ટ્રા કોમેન્ટ
જ્યારે જ્યારે દમણ-દીવનો ઈતિહાસ લખાશે ત્યારે ત્યારે સાંસદ તરીકે શ્રી લાલુભાઈ પટેલને ગર્વથી યાદ કરાશે. કારણ કે, તેમના કાર્યકાળમાં જ દમણ-દીવમાં વિકાસના અનેક પ્રોજેક્ટો કાર્યાન્વિત થયા અને વિકાસ પ્રોજેક્ટોના ઉદ્ઘાટનની તકતીમાં પણ સાંસદ તરીકે શ્રી લાલુભાઈ પટેલનું નામ સૌથી વધુ દેખાશે.