-
સંઘપ્રદેશ પ્રશાસનના ઈતિહાસમાં પહેલી વખત સેંકડો આદિવાસીઓને અપાયેલા જંગલ જમીનના અધિકારોઃ આદિવાસીઓને શિક્ષિત બનાવવા મેડિકલ, એન્જિનિયરીંગ, નર્સિંગ સહિતના ઉચ્ચ શિક્ષણના દ્વાર ઘરઆંગણે ખુલ્યા
-
સંઘપ્રદેશ પ્રશાસને ઉદ્યોગો પાસેથી થતી હપ્તાખોરી, ખંડણી કે ગેરકાયદે કારોબાર ઉપર હજુ કડક હાથે કામ લઈ લગામ કસવાની આવશ્યકતા
-
દાનહમાં ભૂમિહીન આદિવાસીઓને ફાળવવામાં આવેલ જમીનો સસ્તા ભાવે વેચવાના ચાલેલા ષડ્યંત્ર બાબતે સાંસદ કલાબેન ડેલકર અને તેમના ટેકેદારોનું મૌન સૂચક!
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ લગભગ એક મહિના બાદ 26મી જાન્યુઆરી, 2023ના રોજ પોતાનો ત્રીજો મર્જર ડે (વિલિનીકરણ દિવસ) ઉજવશે. બે અલગ અલગ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણ-દીવના એકીકરણ ઉપર સત્તાવાર મહોર 26મી જાન્યુઆરી, 2020ના રોજ લાગી હતી. આ પહેલાં પણ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોનું વહીવટી માળખું લગભગ એક સમાન હતું. જેમાં બંને પ્રદેશોના એક પ્રશાસક, એક ડેવલપમેન્ટ કમિશ્નર, એક ડીઆઈજી દ્વારા અન્યજિલ્લા સ્તરીય અધિકારીઓના સહયોગથી વહીવટ ચલાવાતો હતો. તેમાં બંને પ્રદેશોનું એકીકરણ થવાથી વિસ્તારનો વ્યાપ વધ્યો છે, વસતી વધી છે અને ભારત સરકારમાં મોકલાતા રેવન્યુના આંકડામાં પણ વધારો થયો છે. આ પૂર્વ ભૂમિકા જણાવવા પાછળનો હેતુ એટલો છે કે, તાજેતરમાં દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે લોકસભામાં આપેલા વક્તવ્યમાં પ્રદેશમાં મૂળભૂત સુવિધા નહીં હોવા સાથે તમામ સમસ્યાનો દોષ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ઉપર નાંખવામાં આવ્યો હતો.
દાદરા નગર હવેલીની વાત કરવામાં આવે તો હંમેશા 1989થી 2009 સુધીના કાળખંડને ખાસ યાદ કરવો જરૂરી બને છે. કારણ કે, 1989થી 2009 સુધી દાદરા નગર હવેલીના સાંસદ તરીકે સ્વ. મોહનભાઈ ડેલકરનું એકહથ્થું ‘રાજ’ રહ્યું હતું. 2009 સુધી દાદરા નગર હવેલી સરકારી કોલેજથી વંચિત રહ્યું હતું. સરકારી કોલેજના અભાવે ઘણાં વિદ્યાર્થીઓ અને તેમાં ખાસ કરીને આદિવાસીઓ ધોરણ 12 પછી આગળ વધી શક્યા નહીં હતા. સરકારી કોલેજ સ્થાપવાનો શ્રેય ભાજપના સાંસદ શ્રી નટુભાઈ પટેલને આપવો જ પડે છે.
2016ના ડિસેમ્બર બાદ 2017થી દાદરા નગર હવેલીએ વિકાસની દોડમાં ક્યારેય પણ પાછું વળીને જોયું નથી. વર્ષોથી પડતર રહેલા રીંગરોડના નિર્માણનું કામ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનીઈચ્છાશક્તિ વગર શક્ય જ નહીં હતું, તે તેમના વિરોધીઓએ પણ કબૂલવું પડે છે. રીંગરોડ બાદ સેલવાસનો સ્માર્ટ સીટી યોજનામાં થયેલો સમાવેશ સમગ્ર પ્રદેશ માટે ગૌરવરૂપ ઘટના છે.
પ્રદેશમાં શરૂ થયેલી મેડિકલ કોલેજના કારણે દર વર્ષે માત્ર દાદરા નગર હવેલીના 25 આદિવાસી વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાની તક મળી રહી છે. જે પૈકીના લગભગ તમામના પરિવારના પહેલા સભ્યને મેડિકલમાં અભ્યાસનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જે કોના આશીર્વાદથી? એટલું જ નહીં અનેક ઉચ્ચ શિક્ષણના દ્વાર આદિવાસીઓના આંગણે ખુલ્યા છે. તદ્ઉપરાંત હાલમાં પડતી કેટલીક તકલીફનો કાયમી અંત આવવાનો છે અને સમગ્ર દાદરા નગર હવેલીમાં રોડ, લાઈટ અને પાણીની કોઈ સમસ્યા નથી રહેવાની તે વાત માનનીય સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને તો ખબર જ હશે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઈતિહાસમાં પહેલી વખત સેંકડો આદિવાસીઓને જંગલની જમીનના અધિકાર અપાયા છે. હા, જ્યાં સરકારી જમીન ઉપર અતિક્રમણ થયા હશે ત્યાં પ્રશાસનનું હંમેશા કડક વલણ રહ્યું છે અને તે પ્રશાસનનો નીતિગત મૌલિક અધિકાર પણ છે. છતાં પણ ઘણી જગ્યાએ પ્રશાસને સંવેદનશીલ અભિગમ અપનાવી સરકારી જમીન ઉપર ઘર બાંધીને રહેનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપી છે.
દાદરા નગર હવેલીમાં ભૂમિહીન આદિવાસીઓનેફાળવવામાં આવેલ જમીનો સસ્તા ભાવે વેચવાના ચાલેલા ષડ્યંત્ર બાબતે માનનીય સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને તેમના ટેકેદારો અત્યાર સુધી મૌન રહ્યા છે જે પણ સૂચક છે. કેટલાક સ્થાપિત હિતો દ્વારા ઉદ્યોગોમાં થતી હપ્તાખોરી, ખંડણીખોરી, ભંગારનો અનૈતિક કારોબાર, લેબર, સિક્યુરીટી જેવા ધંધામાં થતી ઘાલમેલ સામે પ્રશાસને અપનાવેલી નો ટોલરન્સ નીતિથી પ્રદેશના બહુમતિ લોકોમાં પ્રસન્નતા છે. સંઘપ્રદેશ પ્રશાસન હજુ કડક વલણ અપનાવી ઉદ્યોગો પાસેથી થતી હપ્તાખોરી, ખંડણી કે ગેરકાયદે કારોબાર ઉપર લગામ કસે એ આજના સમયની ખાસ જરૂરિયાત છે.