January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

  • દમણ-દીવ જિલ્લા પંચાયત દ્વારા 2007ના વર્ષમાં કરાયેલી શિક્ષકોની ભરતીમાં થયેલા વ્‍યાપક ભ્રષ્‍ટાચારનો ભોગ બનેલા 42 શિક્ષકોનું છેવટે રોળાયેલું ભવિષ્‍ય
  • કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ગુરૂજનોના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓ પૈકી ઘણાં ડોક્‍ટર, એન્‍જિનિયર, ઉદ્યોગપતિ કે મોટા અધિકારીઓ બની ચુક્‍યા છે, પરંતુ ગુરૂજનોના નશીબમાં છેલ્લે લાચારી જ આવી

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાર્યરત 257 જેટલા શિક્ષકો પૈકી 42 જેટલા શિક્ષકો દમણ-દીવ જિલ્લાના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે. આ 42 શિક્ષકોની ભરતી દમણ-દીવ જિલ્લા પંચાયત દ્વારા 2007માં કરવામાં આવી હતી. એટલે કે, આજથી લગભગ 15 વર્ષ સુધી આ 42 શિક્ષકો શિક્ષણ વિભાગના હાથ અને પગ તરીકે કામ કરતા હતા.

2007માં શિક્ષકોની ભરતીમાં ખુલ્લેઆમ ભ્રષ્‍ટાચાર થયો હતો. તે વખતના જિલ્લા પંચાયતના સત્તાધિશોએ ઉમેદવાર દીઠ પાંચથી સાત-સાત લાખ રૂપિયા લઈ શિક્ષકોની ભરતી કરી હતી. જેમની પાસે મેરિટ હતું પરંતુ પૈસા આપી શકવાની શક્‍તિ નહીં હતી તેવા પૈકીના ઘણાંને કોન્‍ટ્રાક્‍ટ ઉપર લેવાયા હતા. આ કોન્‍ટ્રાક્‍ટ ઉપર લેવાયેલા શિક્ષકો આજદિનસુધી રેગ્‍યુલર થવાની આશામાં ને આશામાં રહ્યા. તેમના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓ આજે ઘણાં ડોક્‍ટર કે એન્‍જિનિયર અને કેટલાક બેંક-એલ.આઈ.સી.ના ઓફિસર પણ બની ચુક્‍યા છે. પરંતુ ડોક્‍ટર, એન્‍જિનિયર કે ઓફિસર બનાવનાર ગુરૂજનોની હાલત અત્‍યાર સુધી ઠેરની ઠેર જ રહેવા પામી છે અને આજે આ તમામ 42 શિક્ષકોને બહારનો રસ્‍તો પણ બતાવી દીધો છે.

પ્રશાસન આટલું નિષ્‍ઠુર ગુરૂજનો પ્રત્‍યે કેમ બન્‍યું તે સંશોધનનો વિષય છે. પરંતુ દમણ-દીવના 42 શિક્ષકો શેરડીની સાથે ઢીંઢણ પિલાઈ જાય તેવી સ્‍થિતિ તેમની થઈ છે. કોઈ અજ્ઞાત કારણોસર આ શિક્ષકોએ પરફોર્મન્‍સ એવ્‍યુલેશન ટેસ્‍ટ નહીં આપવાની ગુસ્‍તાખી કરી હતી. આ તેમની ભૂલ હતી, પરંતુ ભૂલને ઠીક કરવાની તક જો પ્રશાસન આપે તો 42 પૈકીના ઘણાં શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ થઈ શકે છે અને તેમને સહન કરવા પડનારી માનસિક યાતનામાંથી પણ છુટકારો મળી શકે છે.

સૌથી સારી અને નોંધપાત્ર વાત એ છે કે દમણ-દીવના મોટાભાગના શિક્ષકો રાજકીય ગતિવિધિથી પોતાને દૂર રાખે છે અને જ્‍યાં પણ તેઓ ફરજ બજાવે છે ત્‍યાં અને તે વિસ્‍તારમાં શિક્ષણની સાથે સંસ્‍કારનું પણ સિંચન કરે છે. જિલ્લામાં પ્રભાવશાળી રીતે સમાજ ઘડતર કરી રહેલા શિક્ષકો માટે શિક્ષણ તંત્ર અને પ્રશાસન માનવીય સંવેદના દાખવીતેમને પોતાની ભૂલ સુધારવાની એક તક આપે એવી પણ માંગ પ્રબળ બની છે. કારણ કે, જીંદગીના મહત્ત્વના વર્ષો આ શિક્ષકોએ કરાર આધારિત સેવા આપવામાં વેડફી નાંખ્‍યા છે. હવે ચાલીસી વટાવી ચૂકેલા લગભગ તમામ શિક્ષકો બીજે નોકરી કરવા પણ લાયક રહ્યા નથી. ત્‍યારે સંઘપ્રદેશ પ્રશાસન પોતાનો રાજધર્મ નિભાવી શિક્ષણ તંત્રએ આપેલા આદેશ ઉપર પુનઃ વિચાર કરે અથવા કોઈ વૈકલ્‍પિક માર્ગ કાઢવામાં આવે જેના કારણે આ શિક્ષકોના અંધકારમય બની રહેલા ભવિષ્‍યમાં પ્રકાશ પથરાય.

 

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા શિક્ષકોનો પ્રશ્ન પેચિદો બનાવવામાં છેલ્લા દોઢ દાયકાથી મુખ્‍ય ફાળો રાજકારણનો રહ્યો છે. રાજકારણીઓએ બાટલીમાંથી કાઢેલા જીનને ફરી બોટલમાં પુરવા ખાધેલી થાપના કારણે આ પ્રશ્ન દિન-પ્રતિદિન વિકટ બન્‍યો અને છેવટે 257 શિક્ષકો શિકાર બન્‍યા..!

Related posts

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

વાપી હકીમજી માર્કેટના પાર્કિંગમાં જુગાર રમતા ચાર જુગારીયા ઝડપાયા

vartmanpravah

લાયન ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફર રિજીયન-પના ચેરપર્સન તરીકે નિમાતા દમણના ખુશમનભાઈ ઢીમર

vartmanpravah

દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન

vartmanpravah

સેન્‍ટર ફોર લર્નિંગ રીસોર્સિસ પૂણેના સહયોગથી દાનહમાં શિક્ષણ વિભાગ દ્વારા સામર્થ્‍ય પહેલ હેઠળ ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઇ’ કાર્યક્રમનો કરાયેલો શુભારંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સૂચિત કાર્યક્રમથી વિપરિત ઘોઘલા ગામની આકસ્‍મિક મુલાકાત લેતાં અધિકારીઓ રહી ગયા દંગ

vartmanpravah

Leave a Comment