ચૂંટણી અદાવત રાખી 15 થી 20 લોકોનું ટોળુ ધસી આવી હંગામો મચાવ્યો : ચારની અટક
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02
વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામ બાદ ચૂંટણી અદાવત રાખી મારામારીની ઘટના ઘટી છે. વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓના પરિવાર પર હલ્લાબોલ કરી કોંગ્રેસી કાર્યકર્તાઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી.
વાપી નગરપાલિકા વોર્ડ નં.6માં ભાજપના મહિલા ઉમેદવાર તરીકે રોશનીબેન ઈકબાલભાઈ સિદ્દિકીએ ઉમેદવારી નોંધાવી હતી. તેમના ટેકેદારો અને કાર્યકરો ભાજપનો પ્રચાર કરી રહ્યા હતા. મંગળવારે પરિણામ જાહેર થતા વોર્ડ નં.6માં તમામ કોંગ્રેસના ઉમેદવારો વિજયી બનેલા તેથી કોંગ્રેસી કાર્યકર્તાઓ રૂઆબ અને રોફ ઝાડવા ભાજપના કાર્યકર્તાના ઘરે પહોંચી હંગામોમચાવ્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આશરે 15-20ના ટોળા વિરૂધ્ધ ભોગ બનનાર મુન્નાભાઈ ઉર્ફે તાહીરખાન રહે.સરવૈયા નગર બિલ્ડીંગ ડી-2 રૂમ નં.103 એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સિદ્દિકી અબ્દુલ, ઈશાર ખાન, સુફીયાન અહેસાન, અને મસ્જીદ નામના ચાર કોંગ્રેસી કાર્યકર્તાની તાત્કાલીક અટક કરી હતી. બાકીનાને પોલીસ શોધી રહી છે. ચૂંટણીએ લોકોમાં આંતરીક અદાવતના બી રોપ્યા હતા.