જેટકો કંપની દ્વારા ખાંભડામાં લાયબ્રેરી સહિત શૈક્ષણિક હેતુ માટે રૂા. પ7.પ1 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ખાંભડામાં એકાદ વર્ષ પૂર્વે સ્થાનિક આગેવાનો અને યુવાનો દ્વારા લોકફાળાથી ગામમાં દૂધ ડેરીના મકાનમાં લાયબ્રેરી શરૂ કરાઈ હતી. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવાયા હતા. અને ખાંભડા ઉપરાંત આસપાસના 50-60 જેટલા યુવક યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ લાયબ્રેરીનો ઉપયોગ કરી રહ્યા છે. ખાંભડા ગામના આગેવાનો દ્વારા લોકફાળોથી લાયબ્રેરી શરૂ કરી યુવાનોના કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થવા એક નવી પહેલ શરૂ કરી હતી.
આ દરમ્યાન ખાંભડામાં સરપંચ પરેશભાઈ અગ્રણી રમેશભાઈસહિતનાઓની રજૂઆતને પગલે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (જેટકો) દ્વારા લાયબ્રેરીના મકાન સહિત શૈક્ષણિક હેતુ માટે રૂા.57.51 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી હતી. જેટકો દ્વારા સીએસઆર યોજના અંતર્ગત નિર્માણ પામનારી લાયબ્રેરીના અદ્યતન મકાનની ખાતમુહૂર્ત વિધિ આદિવાસી પરંપરા મુજબ વિશ્વ અધિકાર દિવસ નિમિત્તે સરપંચ પરેશભાઈ ડેપ્યુટી સરપંચ ભરતભાઇ અગ્રણી રમેશભાઈ સહિતના આગેવાનો, યુવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.