પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મહિલા સામાન્ય બેઠક હોવાથી નવા પ્રમુખ, ઉપ પ્રમુખ મહિલા જ હશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13
વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં 37 બેઠકો મેળવી ભાજપની ભવ્ય જીત થઈ હતી. ચૂંટાયેલા 11 વોર્ડના નવા નગરસેવકોની પ્રથમ સામાન્ય સભા આવતીકાલ મંગળવારે સવારે 11 કલાકે યોજાનાર છે. સામાન્ય સભામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી અંગે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વાપી નગરપાલિકા માટે નવી અઢી વર્ષની ટર્મ મહિલા સામાન્ય બેઠક રીઝર્વ હોવાથી આ ટર્મ માટે નવા પ્રમુખ, ઉપપ્રમુખ મહિલાઓ જ હશે એ નક્કી છે. મ્યુનિસિપલ એક્ટ મુજબ તા.15 ડિસેમ્બરે વાપી નગરપાલિકાની મુદત પુરી થાય છે તેથી નવી સરકારની રચના અનિવાર્ય છે તે મુજબ આવતી કાલે યોજાનારી સામાન્ય સભામાં વાપીને નવા મહિલા પ્રમુખ, ઉપપ્રમુખ મળશે. હાલ તો રાજકીય વર્તુળોમાં ચાર મહિલાઓના નામ સ્પર્ધામાં છે. જેમાં અર્ચનાબેન દેસાઈ, દેવલબેન દેસાઈ, કાશ્મિરાબેન શાહ અને ભારતીબેન ચૌહાણના નામ ચાલી રહ્યા છે. જો કે ભાજપની પરંપરા મુજબ મેન્ડેટમાં જેના નામ હશે તેઓ નવા મહિલા પ્રમુખ, ઉપપ્રમુખ બનશે એ નક્કી છે. ત્યાર બાદ નવા પ્રમુખવિવિધ સમિતિઓની રચના કરશે અને પાલિકાની વહીવટી ધુરા સંભાળી લેશે.