રાત્રિના સમયે પેરિસથી વીડિયો કોલ મારફતે ધર્માંતરણ થઈ રહ્યા હોવાની સોશિયલ મીડિયામાં પ્રસારિત થયેલી માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.24
ચીખલી તાલુકાના વંકાલમાં ક્રિસમસના કાર્યક્રમમાં અંદાજે 100 જેટલા પરિવારોને ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવાના હોવાની માહિતી મળતા હિન્દૂ સંગઠનનાકાર્યકર્તાઓ પહોંચી જઈ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ મામલો થાળે પાડ્યો હતો. જોકે ગત રાત્રિના બનાવના વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના વંકાલ ગામના સુંદર ફળીયા વિસ્તારમાં ગતરાત્રી દરમ્યાન ખ્રિસ્તી પરિવારનો એક કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં બ્રિટનથી વિડિયો કોલ મારફત પરિવારના સભ્યો તેમના સંબંધીઓ સાથે લાઈવ હોવાનું જાણવા મળ્યું હતું અને ક્રિસમસની ઉજવણીના આ કાર્યક્રમમાં અંદાજે 100 જેટલા પરિવારોને ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવાતા હોવાની માહિટી મળતા હિન્દૂ સંગઠનના કેટલાક કાર્યકરો આ કાર્યક્રમમ પહોંચી જઈ પોલીસને જાણ કરતા એક સમયે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. હિન્દૂ સંગઠનના કાર્યકરોએ આ કાર્યક્રમ કોનો છે, આ કોણ છે? કાર્યક્રમ માટે પરવાનગી લીધી છે કે નહીં? તેવા સવાલો કરતા એક સમયે વાતાવરણ ઉગ્ર બનવા પામ્યું હતું. જોકે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
વંકાલ ગામે મંડપ અને સ્ટેજ બનાવી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હતો અને લેપટોપ સાથે લાઈવ પ્રસારણ માટે મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી હતી તથા જીવંત પ્રસારણ દ્વારા કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમ્યાન જ હિન્દૂ સંગઠનનાકાર્યકરો ધસી જઈ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા અને કાર્યક્રમ બંધ કરવા અપીલ કરી હતી.
ગતરાત્રીના ઉપરોક્ત બનાવના વીડિયો બીજા દિવસે વાયરલ થતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
બોક્ષ/ ધર્માંતરણ બાબતે પી.એસ.આઇ. શ્રી ડી.આર.પઢેરિયાના જણાવ્યાનુસાર વંકાલ ગામે ખ્રિસ્તી પરિવારનો કાર્યક્રમ હતો અને તેમના પરિવારના પેરિસ રહેતા સભ્ય સાથે વીડિયો કોલથી વાત કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કરાવાના હોવાનું કંઈ પણ જણાઈ આવેલ નથી.