-
લોકશાહી અને બંધારણ સામેના પડકારોનો સામનો કરીશું : મહેશભાઈ શર્મા
-
દાનહ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્માના હસ્તે ક્રિકેટ અને બેડમિન્ટન કીટનું વિતરણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
સંઘપ્રદેશ દાનહ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તા.28/12/2021ને મંગળવારના રોજ કોંગ્રેસે પોતાનો 137મો સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય ખાતે કોંગ્રેસના 137માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ અવસરે કોંગ્રેસ પક્ષના સેવાદળ, યુથ કોંગ્રેસ, કામદાર કોંગ્રેસ વગેરેના કાર્યકરો સહિત પક્ષના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશકોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસીઓ દ્વારા ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ મુખ્યાલય પરિસરમાં પક્ષનો ધ્વજ લહેરાવ્યો હતો અને કોંગ્રેસીઓ દ્વારા પક્ષના ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માના હસ્તેથી પ્રદેશના વિવિધ વિસ્તરોમાંથી આવેલા યુવાનોને ક્રિકેટ અને બેડમિન્ટનની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે કોંગ્રેસજનોને અભિનંદન અને શુભેચ્છા પાઠવતા પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ શર્માએ કોંગ્રેસીઓને પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસના સ્થાપના દિને આપણે સૌ કોંગ્રેસ પક્ષની પરંપરાઓને વધુ મજબુત બનાવવાનો સંકલ્પ લઈએ છીએ અને દેશની લોકશાહી અને બંધારણ સામે જે પણ પડકારો છે, તેનો મક્કમતાથી સામનો કરીશું.
શ્રી મહેશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી અને શ્રી મનમોહન સિંહજીએ મંદી સામે ઝઝૂમી રહેલા વિશ્વની સામે ભારતની અર્થવ્યવસ્થાની સ્થિરતા સ્થાપિત કરી હતી. આરટીઆઈ, ભોજનનો અધિકાર, મનરેગા, રાઈટ ટુ એજ્યુકેશન, ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ દ્વારા નાગરિકસશક્તિકરણ માટે જનપથની રચના કરી હતી. આજે પણ શ્રીમતી સોનિયા ગાંધી- શ્રી રાહુલ ગાંધીના નેતળત્વમાં આપણો પક્ષ લોકતંત્ર અને બંધારણની રક્ષા અને દેશને નવી દિશામાં જોડવાના હેતુને પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ શર્મા સાથે શ્રી મહેશભાઈ ડોડી, શ્રી સિયારામ યાદવ, શ્રી નૌસાદભાઈ, શ્રી રાજેશભાઈ પટેલ, એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ, શ્રી યાકુબભાઈ, શ્રી એસ.કે.સિંઘ, શ્રી અમોલ મેશ્રામ વગેરે સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.