નદીઓનું પાણી દરિયામાં જતુ અટકાવવા દમણગંગા નદી સાથે તાપી અને નર્મદા નદી જોડવાની બજેટમાં કરવામાં આવેલ ઘોષણાથી ગુજરાત અને દમણ-દાદરા નગર હવેલીમાં પણ પાણીની અછત દુર થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01
દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલે(દાદા) બજેટને આવકારતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસની સાથે વિશ્વમાં ભારતે આગવું સ્થાન ઉભુ કરેલ છે. આજરોજ દેશના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે દેશના તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ આપેલ હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલદાદાએજણાવ્યું હતું કે, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ત્યારે આજરોજ રજૂ થયેલ બજેટમાં પ્રાકૃતિક ખેતી જૈવિક અને ઓર્ગેનિક ખેતી વિકાસને પ્રોત્સાહિત કરવાના તથા ખેડૂતોને ડિજીટલ સર્વિસ અને એગ્રી યુનિવર્સિટીના પ્રોત્સાહન જેવી બાબતોનો કરેલો સમાવેશ નવા ભારતના નિર્માણમાં એક ઠોસ કદમ હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાએ જણાવ્યું હતું કે, નદીઓનું પાણી દરિયામાં જતુ અટકાવવા દમણગંગા નદી સાથે તાપી અને નર્મદા નદી જોડવાની બજેટમાં કરવામાં આવેલ ઘોષણાથી ગુજરાત અને દમણ-દાદરા નગર હવેલીમાં પણ પાણીની અછત દુર થશે.