મોટી દમણના ઝરી ખાતે રસ્તાના વિસ્તૃતિકરણ દરમિયાન સારથી બસ સેવા માટે લાખો રૂપિયાના ખર્ચે નિર્મિત બસ સ્ટેન્ડને માવજતથી ઉખાડવાની જગ્યાએ બુલડોઝર-જેસીબી દ્વારા કરાયેલું નિકંદન
(તસવીર-અહેવાલ : રાહુલ ધોડી)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01
મોટી દમણના ઝરી ખાતે ઓઆઈડીસી દ્વારા સંચાલિત સારથી બસ સેવા માટે બનેલા બસ સ્ટેન્ડને ઉખાડી ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઝરી ખાતે થઈ રહેલા રસ્તાના વિસ્તૃતિકરણ દરમિયાન આડે આવી રહેલા બસ સ્ટેન્ડને બુલડોઝર-જેસીબી દ્વારા જમીનદોસ્ત કરી ફરી ઉપયોગમાં નહી લેવાય તે પ્રકારે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓઆઈડીસીના તત્કાલીન મેનેજીંગ ડાયરેક્ટર અને વિકાસ આયુક્ત શ્રી સંદીપ કુમારે દિલ્હીની તર્જ ઉપર સ્ટીલનો ઉપયોગ કરી સારથી બસ સેવાના બસ સ્ટેન્ડનું નિર્માણ કરાવ્યું હતું. આ બસ સ્ટેન્ડની કિંમત લગભગ લાખો રૂપિયા હોવાનું અંદાજવામાં આવે છે. ત્યારે રસ્તાના વિસ્તૃતિકરણ દરમિયાન આ બસ સ્ટેન્ડને માવજતથી ઉખાડવામાં આવ્યું હોત તો તે ભવિષ્યમાં અન્ય જગ્યાએઉપયોગમાં પણ આવી શકવાની સંભાવના હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રશાસનમાં એક-એક રૂપિયાની કસર કરવામાં માને છે. તેની સામે લાખો રૂપિયાના ખર્ચે બનેલ બસ સ્ટેન્ડને ઉખાડી ફેંકવાની શરૂ થયેલ રમત સામે પ્રશાસન સમીક્ષા કરે એવી માંગ પ્રબળ બની છે.