(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: મંગળવારની સાંજના ચારેક વાગ્યાના અરસામાં કુકેરી ગામના રેલ્વે ફળિયામાં રહેતા અરવિંદભાઈ છીબાભાઈ હળપતિ (ઉ.વ.55) તેમના ઘરના ઓટલા પર સુતા હતા. તે દરમ્યાન અચાનક ઘરની દીવાલ ધરાશયી થતાં દબાઈ જવાથી ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે ઈજાગ્રસ્ત તેમની પત્ની સુખીબેન હળપતિને 108 ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. શ્રમજીવી પરિવારના દંપતિના મોતથી સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સરપંચ,તલાટી સહિતનાઓ પંચકયાસ સહિતની કાર્યવાહી કરી બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ ઉપરાંત ઘેજ ગામના ઝાડી ફળિયામાં અશ્વિનભાઈ પ્રેમાભાઈ પટેલના ઘર પર ઝાડ પડતા ઘરને વ્યાપક નુક્સાન થવા સાથે તેમને ઈજા થતાં સારવાર અર્થે ધરમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તાલુકામાં વરસાદ વચ્ચે સોલધરા નાયકીવાડ પેલાદ અને તલાવચોરા બારોલીયા પીપળા ફળિયાથી સંજય ફાર્મ તરફ જતા માર્ગ પર લો-લેવલ કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.

Previous post