પોલીસ અધિક્ષક હરેશ્વર સ્વામી અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈનની જુગલ જોડી દાનહ પોલીસના ટ્રાફિક તથા એલસીબી તરફ પણ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે એવી પ્રબળ બનેલી માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 સેલવાસ પોલીસ સ્ટેશનમાં એસપી શ્રી હરેશ્વર સ્વામી અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈને લીધેલી આકસ્મિક મુલાકાત દરમિયાન પોતાના કાર્યમાં લાપરવાહી દાખવનાર હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર રાયને તાત્કાલિક બરતરફ કરવાનો આદેશ જારી કરતા સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે અને એસપીઅને એસડીપીઓની જુગલ જોડી દાનહ પોલીસના ટ્રાફિક તથા એલસીબી તરફ પણ પોતાનું ધ્યાન લગાવે એવી માંગ પ્રબળ બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામી અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈને સેલવાસ પોલીસ સ્ટેશનની લીધેલી આકસ્મિક મુલાકાત દરમિયાન ફરજ ઉપરના હાજર હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર રાયની લાપરવાહી સામે આવતા તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, દાનહના પોલીસ બેડામાં એવા ઘણા અધિકારી અને પોલીસકર્મીઓ છે કે જેઓ જનતાને આરોપી સમજી તેમની સાથે તે પ્રકારનું વર્તન કરતા રહે છે. એસ.પી.શ્રી હરેશ્વર સ્વામી આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરી પોલીસની બગડી રહેલી છાપને સુધારવા પ્રબંધ કરે એવી માંગ પણ ઉઠી રહી છે.