સરકારી કર્મચારી સાથે ફરજ ઉપર અવરોધ ઉભો કરી મારપીટ કરાતા સરકારી જમીન ઉપર ગેરકાયદે કબ્જો ઉભો કરનારા દત્તુ જગન પટેલ સામે નોંધાયેલી ફોજદારી ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 08
સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર કરાતા ગેરકાયદે દબાણ હટાવવા શરૂ કરેલા અભિયાનની કડીમાં આજે દાદરા નગર હવેલીના સીલી ગામે સરકારશ્રીના નામ ઉપર ચાલી આવતી અંદાજીત 02 એકર ર7 ગુંઠા (0.92 હેક્ટર) કરતા વધુ જમીન ઉપર ગેરકાયદે કબજો કરી ગેરકાયદે શરૂ કરેલા બાંધકામને આજે હટાવવાનું કામ મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના સીલી ગામે સર્વે નંબર 6પ પૈકી 0.92 હેક્ટર એટલે કે 02 એકર 27 ગુંઠા જેટલી સરકારી જગ્યા ઉપરદત્તુભાઈ જગનભાઈ પટેલ નામના ઈસમે ગેરકાયદે કબ્જો કરી બાંધકામ શરૂ કર્યુ હતું. આ બાબતે સંઘપ્રદેશ પ્રશાસને કડક રવૈયો અપનાવી તાત્કાલિક જગ્યાનો કબ્જો લઈ ગેરકાયદે બાંધકામને પણ હટાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન દત્તુભાઈ જગનભાઈ પટેલે ગેરકાયદેસર બાંધકામ હટાવવાની નોટીસ આપનારા મહેસૂલ વિભાગના કર્મચારી સાથે દુર્વવ્યહાર કરી તેની મારપીટ કરવામા આવી હતી. જેના સંદર્ભમાં પોલીસ તંત્ર દ્વારા આરોપી દત્તુ જગન પટેલ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે.