કોંગ્રેસ તથા વાલીઓએ શિક્ષણ કચેરીમાં આવેદન પત્ર પાઠવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.09
છેલ્લા કેટલાક સમયથી સંક્રમણને કારણે વલસાડ જિલ્લાની સ્કુલોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરાયું હતું અને ઓનલાઈન શિક્ષણ કાર્ય થઈ રહ્યું નથી.
તાજેતરમાં સ્કૂલો રાબેતા મુજબ ગત સોમવારથી ચાલુ થઈ ગઈ છે. તેમજ સ્કૂલો દ્વારા ફી ઉઘરાણીનો દોર વાલીઓ સમક્ષ શરૂથઈ ગયો છે. આજે જિલ્લા આગેવાનો-વાલીમંડલ કોંગ્રેસ સાથે મળીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કેટલીક ખાનગી સ્કૂલ એફ.આર.સી.(સરકારે નિયત કરેલી) ફી કરતા વધુ ફી ઉઘરાવી રહી છે તેનો સખ્ત વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ નવી શાળાઓ સામે પગલા ભરવાની માંગણી કરી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કે.એમ.વસાવાએ આગોવાનોની રજૂઆતો અને લાગણી-માંગણી સ્વિકારી હતી અને એફઆરસી કરતા વધુ ફી ઉઘરાવતી શાળાઓનું ચેકીંગ કરવામાં આવશે તેમજ પગલા પણ ભરાશે. ચેકીંગનો અહેવાલ સુરત એફઆરસી સમિતિને મોકલી આપવામાં આવશે તેવી હૈયા ધરપત ડી.ઓ. ઓફિસ વલસાડે આપી હતી.
બીજી રજુઆત વાલીઓએ એ પણ કરી હતી કે જ્યારે સ્કૂલો બંધ હતી શિક્ષણ કાર્ય બંધ હતુ ફક્ત ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચલાવાઈ રહ્યું હતું તેમ છતાં ખાનગી સ્કૂલો ફી માંગી રહી છે ત્યારે તેમા વાલીઓને રાહત આપવી જોઈએ કોરોનાને લઈ સમાજ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.