હેડ ક્વાર્ટર દમણ હોવા છતાં દરરોજ સેલવાસથી અપ-ડાઉન કરી પ્રશાસનના નાણાં અને સમયનો કરી રહેલા બગાડ
પ્રદેશના વિકાસ માટે નકારાત્મક અભિગમ ધરાવતા અધિકારીને મુખ્ય રાહ ઉપર લાવવા પ્રશાસન દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે એવી બુલંદ બનેલી માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09
દમણના વન વિભાગમાં ઉપ વન સંરક્ષક તરીકે કાર્યરત આઈએફએસ અધિકારી શ્રી જોજોના અણઘડ વહીવટના કારણે વન વિભાગની ઘણી યોજનાઓ ખોરંભે પડવાની ભીતિ સર્જાઈ રહી છે. શ્રી જોજોનું મુખ્ય મથક દમણ હોવા છતાં તેઓ દરરોજ સેલવાસથી દમણ આવતા હોવાથી કટોકટીની સ્થિતિમાં તેઓ સ્થળ ઉપર સમયસરહાજર રહી શકવા અસમર્થ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તારીખ 08 ફેબ્રુઆરી, ર0રરના રોજ મગરવાડા-પટલારાના પ્રદિપ નામના વ્યક્તિએ જાણકારી આપી હતી કે, તેમણે દિપડાને જતો જોયો હતો. આ માહિતી મળતા જ વન વિભાગની ટીમ સક્રિય બની હતી અને સ્થળ ઉપર વોચ પણ રાખી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન ડીસીએફ શ્રી જોજો સેલવાસ હોવાના કારણે તેઓ ઘટના સ્થળે ઉપસ્થિત નહી રહી શક્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ડીસીએફ શ્રી જોજોની અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાંથી તાજેતરમાં જ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બદલી થઈ હતી. તેમને દમણના ડીસીએફ તરીકે જવાબદારી સોંપી દમણ હેડ ક્વાર્ટર રખાયું હતું. પરંતુ શ્રી જોજો દરરોજ સેલવાસથી દમણ અપ-ડાઉન કરી રહ્યા છે. જેના કારણે સમય અને નાણાંનો પણ બગાડ થઈ રહ્યો છે.
ઉપ વન સંરક્ષક શ્રી જોજો સંઘપ્રદેશ પ્રશાસનના કેટલાક આદેશોને પણ ગંભીરતાથી નહી લેતા હોવાનો ગણગણાટ તેમના જ વિભાગમાં થઈ રહ્યો છે. જેના કારણે વિકાસ યોજનાઓની આડે આવતા વૃક્ષોને દુર કરવા પણ અડચણ પેદા કરતા હોવાની પણ વાતો વહેતી થઈ છે.
સંઘપ્રદેશ પ્રશાસનને નંદનવન અને વિક્સિત પ્રદેશ બનાવવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સહિત તમામ અધિકારીઓ પોતાની સંપૂર્ણ નિષ્ઠાથીકામ કરી રહ્યા છે, ત્યારે આવા નકારાત્મક અભિગમ ધરાવતા અધિકારીને મુખ્ય રાહ ઉપર લાવવા પ્રશાસને યોગ્ય સમીક્ષા કરવી જોઈએ એવી માંગ પ્રબળ બની છે.