અબ્રામા રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા પ્રિતીબેન પટેલ સવારે બાળકને સ્કૂલમાં મુકી પરત ફરી રહ્યા હતા ત્યારે ઘટના ઘટી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16
વલસાડ અબ્રામાં ધરમપુર રોડ ઉપર આજે બુધવારે સવારે આઠ વાગ્યાના સુમારે મહિલા પુત્રનેસ્કૂલમાં ઉતારી મોપેડ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક મોપેડમાં આગ લાગી હતી. જો કે મહિલાનો આબાદ બચાવ થયો હતો. આગને ફાયર બ્રિગેડે બુઝાવી હતી. શહેરમાં મોપેડને આગ લાગ્યાની ઘટનાએ ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ અબ્રામાં બિના નગર રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા પ્રિતીબેન ધર્મેશભાઈ પટેલ તેમની મેસ્ટ્રો મોપેડ નં.જીજે-1પ-એઆર-9530માં પુત્રને બેસાડી સવારે 7.30 વાગ્યાના સુમારે સ્કૂલમાં જવા નિકળ્યા હતા. સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકને ઉતારી ઘરે જવા નિકળેલા ત્યારે મોપેડ રસ્તામાં બંધ થઈ ગયું. સ્ટાર્ટ કરવાની કોશિષ પ્રિતીબેન કરતા હતા ત્યારે અચાનક ધુમાડા નિકળવા લાગ્યાને બાદમાં મોપેડમાં આગ ભભૂકી ઉઠી હતી.
ઘટના સ્થળેથી પાલિકા પ્રમુખ કિન્નરીબેન અને તેમના પતિ સાથે પસાર થઈ રહ્યા હતા. સળગતું મોપેડ જોઈ તેમણે પોલીકા ફાયરને ફોન કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી આગ બુઝાવી હતી. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી.