(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.28
ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા ધરમપુર બ્લોકના ગામોમાં પાણીના સંરક્ષણ (કેચ ધ રેઇન) તેમજ કોવિડ રસીકરણ માટે જન જાગૃતિ રથ દ્વારા વિરવલ, ખટાણા, મોટી ઢોલડુંગરી, કરંજવેરી, શેરીમાળ, બરૂમાળ, સિદુમ્બર, આવધા, હનમતમાળથી લઇને બિલ્ધા સુધીનાધરમપુર તાલુકાના 30 થી વધુ ગામોમાં જન જાગૃતિ માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. જન જાગૃતિ અભિયાન અંતર્ગત વરસાદના પાણીનો બગાડ અટકાવી તેનો વિવિધ માધ્યમોથી સંગ્રહ કરવા બાબતે ઉપયોગી જાણકારી આપી હતી. સાથોસાથ જેમનું કોવિડ રસીકરણ બાકી હોય તેમને રસી લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએ નેહરુ યુવા કેન્દ્ર વલસાડ તરફથી હેન્ડ બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવક વિરલ પટેલ અને યોગેશ કાંહડોળિયાનો સહયોગ મળ્યો હતો.
