July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

રાજ્યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઈનની કામગીરીનું ખાતમુર્હુત કર્યું

  • રૂ. 10.51 કરોડના ખર્ચે 3 ફીડરોની 24.99 કિમી ઓવરહેડ એચટી લાઈનને 33.59 કિમી અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરાશે

  • અન્ય રાજ્યની વીજ કંપનીઓ સરકારને નાણાં ન ચૂકવી મફતમાં વીજળી આપી રહી છે જે ફડચામાં જઈ શકે છેઃ ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની 11 કેવી ઓવરહેડ એચટી લાઈન ગીચ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી અકસ્માતની સંભાવના વધી જાય છે જેથી ટ્રાયબલ એરિયા સબ પ્લાન યોજના હેઠળ વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાની કામગીરીનું ખાતમૂર્હુત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામના સુંદરવન ખાતે કરવામાં આવ્યું હતું. રૂ. 10.51 કરોડના ખર્ચે 66 કેવી ઉમરગામ સબ સ્ટેશનમાંથી નીકળતા 3 ફીડરોની 24.99 કિમી ઓવરહેડ એચટી લાઈનોનું 33.59 કિમી અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરાશે.
સમારોહમાં ઉપસ્થિત ચૂંટાયેલા પ્રતિનિધિઓને શીખ આપતા ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વિકાસના કાર્યો માટે લોકપ્રતિનિધિ તરીકે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જાગૃત રહેવું જોઈએ. દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તે સંનિષ્ઠ કર્મચારીઓ વિના શક્ય નથી જેથી તેઓ તમામ અભિનંદને પાત્ર છે. દેશના કેટલાક રાજ્યોની વીજ કંપનીઓ પાસે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા લેવાના નીકળે છે પરંતુ ગુજરાત પાસે એકપણ પૈસા લેવાના બાકી નથી. કેટલાક રાજ્યો સરકારને પૈસા ન ચૂકવી મફતમાં વીજળી આપે છે જેને કારણે જે તે રાજ્યની વીજ કંપનીઓ ફડચામાં જઈ શકે છે. આજે સમગ્ર ગુજરાતમાં 24 કલાક વીજળી મળી રહી છે. સોલાર રૂફટોપમાં પણ ગુજરાત નંબર વન છે, જેના થકી 2000 મેગા વોટ વીજળી મળતા સંકટ દૂર થયું છે. વધુમાં મંત્રીશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવા માટે સૌ કોઈને આહવાન કરી કહ્યું કે, આઝાદીની લડતમાં અનેક લોકોએ શહીદી વ્હોરી હતી, પોતાનું બલિદાન આપ્યું હતું. જે હકીકતથી નવી પેઢી વાકેફ થાય અને ભારત માતાનું ઋણ ચૂકવવા માટે તા. 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિંરગો લહેરાવીએ.
ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોમાં વિકાસ માટે સરકાર દ્વારા દર બજેટમાં રકમમાં ઉત્તરોત્તર ઉમેરો કરવામાં આવી રહ્યો છે. પહેલા વીજળીની સમસ્યા રહેતી હતી પરંતુ હવે અંડરગ્રાઉન્ટ કેબલ થવાથી વીજળીની સમસ્યા રહેશે નહીં, વીજળી 24 કલાક મળતી થતા હવે ઉમરગામના સમુદ્ર કાંઠે પર્યટકોની સંખ્યા પણ વધી છે. ડીજીવીસીએલના એમડી સ્નેહલ ભાપકરે જણાવ્યું કે, અંડર ગ્રાઉન્ડ લાઈનના કારણે રહેણાંકથી માંડીને ઉદ્યોગો અને ખેતીવાડીને પણ ફાયદો થશે.
આ પ્રસંગે સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ મુકેશ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ધાંગડા, સરીગામ ઈન્ડ્રસ્ટીયલ એસો.ના પ્રમુખ કમલેશ ભટ્ટ અને એસઆઈએના એડવાઈઝરી કમિટીના ચેરમેન શિરીષ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ડીજીવીસીએલની સુરત કોર્પોરેટ ઓફિસના એડિશનલ ચીફ એન્જિનિયર જે.એસ.કેદારીયાએ કર્યું હતું. આભારવિધિ વાપી જીઆઈડીસીના કાર્યપાલક ઈજનેર નિરંજનાબેન પટેલે કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીજીવીસીએલના વલસાડ સર્કલના નાયબ ઈજનેર એ.કે.પટેલે કર્યું હતું.

Related posts

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા તથા અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ નિમિત્તે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે કાંજણહરીમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 86 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાશે વન રક્ષક સંવર્ગ-૩ની ની પરીક્ષા

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

vartmanpravah

વાપી નોટિફાઈડ દ્વારા ચણોદ પાસે 35 વર્ષ જુની પાણીની ટાંકી કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી મિનિટોમાં ધરાશાયી કરાઈ

vartmanpravah

Leave a Comment