Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

લોકસભા 2024ની ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર કોણ?: અટકળોનું બજાર ગરમ

દમણ-દીવમાં મતદારોની સંખ્‍યામાં કોઈની પણ ઝાઝી બહુમતિ રહી નથીઃ પરપ્રાંતિઓ, આદિવાસી-અનુ.જાતિના મતદારોની નિર્ણાયક સ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : લોકસભા 2024ની ચૂંટણીના આડે હવે લગભગ 8 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. લોકસભાની દમણ-દીવ બેઠક માટે ભાજપ કોને ટિકિટ આપે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે. ટિકિટ મેળવવા માટે મહત્‍વાકાંક્ષી ચહેરાઓની યાદી પણ લાંબી થતી જઈ રહી છે. જેમાં વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપરાંત શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, શ્રી વિશાલભાઈ ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ(વિકાસ) પટેલ,દમણ ન.પા.ના વર્તમાન અધ્‍યક્ષ શ્રીઅસ્‍પી દમણિયા, શ્રી કિરીટભાઈ વાજા વગેરેના નામો મોખરે છે.
હાલમાં ભાજપની ટિકિટ માટે હોટફેવરિટ તરીકે શ્રી લાલુભાઈ પટેલની ગણના થઈ રહી છે. પરંતુ શ્રી લાલુભાઈ પટેલને ટિકિટ નહીં આપવામાં આવે તો પટેલ તરીકે શ્રી જીજ્ઞેશભાઈ પટેલ અને શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ વચ્‍ચે મુખ્‍ય સ્‍પર્ધા રહેવાની સંભાવના દેખાય છે.
દમણ-દીવમાં 1999થી લઈને અત્‍યાર સુધી એટલે કે, 2024ની લોકસભા ચૂંટણી યોજાશે ત્‍યારે છેલ્લા 25 વર્ષથી કોળી પટેલ સમાજના સાંસદનું પ્રતિનિધિત્‍વ મળી રહ્યું છે. દમણ-દીવમાં હવે પરપ્રાંતિય સમાજ, હળપતિ અને અનુ.જાતિ સમુદાયના પણ ખાસ્‍સા વધેલા મતદારોના કારણે તેઓ નિર્ણાયક મતદાતાની શ્રેણીમાં પણ આવી ગયા છે.
દમણ-દીવમાં સતત 25 વર્ષ સુધી કોળી પટેલ સમાજના રહેલા રાજ સામે જો ભાજપ આ વખતે પરિવર્તન કરે તો પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ કે શ્રી વિશાલભાઈ ટંડેલ ઉપર પોતાની મહોર મારી શકે છે. શ્રી દીપેશભાઈ ટંડેલ પ્રદેશ પ્રમુખ હોવાના નાતે તેમના ભાજપ હાઈકમાન્‍ડ સાથે પણ નિકટના સંબંધ હોવાનું માનવામાં આવે છે. તેથી તેમની મહત્‍વના દાવેદાર તરીકે ગણતરી થઈ શકે છે.
શ્રી વિશાલભાઈ ટંડેલ પાસે રાજનીતિનો બહોળો અનુભવ હોવાથી અને હાલમાં આસામ રાજ્‍યના ઓબીસીપ્રભારી તરીકે પણ બજાવી રહેલા નેત્રદિપક કામગીરીના કારણે તેમનું પલ્લું પણ ભારે થઈ શકે એવું ગણિત માંડવામાં આવી રહ્યું છે.
દમણ અને દીવને લોકસભા બેઠકની ફાળવણી 1987માં થયા બાદ ત્‍યારથી અત્‍યાર સુધી દીવ જિલ્લાને પ્રતિનિધિત્‍વ મળ્‍યું નથી. શ્રી કિરીટભાઈ વાજાએ બજાવેલી આર.ટી.ઓ. તરીકેની ફરજ દરમિયાન તેમના સંબંધો દમણના ગામે ગામ સુધી છે અને નિવૃત્તિ બાદ પણ તેમણે જીવંત રાખેલા સંબંધોનો લાભ ટિકિટની દાવેદારીમાં મળી શકવાની સંભાવના છે.
પૂર્વ સાંસદ સ્‍વ. શ્રી ડાહ્યાભાઈ પટેલના સુપુત્ર હોવાની સાથે શ્રી જીજ્ઞેશભાઈ પટેલનો સંબંધ કોળી પટેલ સમાજ ઉપરાંત દમણ-દીવના દરેક સમુદાયની સાથે પણ હોવાનું માનવામાં આવે છે. હાલમાં દમણ-દીવ પ્રદેશ ભાજપના મંત્રી તરીકે શ્રી જીજ્ઞેશભાઈ પટેલે વિવિધ સભાઓના આયોજનમાં સંકટમોચન તરીકે કરેલી કામગીરીની નોંધ પણ ઉચ્‍ચ સ્‍તરે લેવાયેલી છે. તેથી વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલના વિકલ્‍પ તરીકે શ્રી જીજ્ઞેશભાઈ પટેલની વિચારણાં પણ થઈ શકે છે.
દમણ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્‍યક્ષ અને વર્તમાન ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ (વિકાસ) પટેલનો સંબંધ આર.એસ.એસ. સાથે હોવાથી તેઓ કોઈપણ પ્રકારના દેખાડા વગર કામ કરવામાં માને છે. રામ જન્‍મોત્‍સવથી માંડી અનેક કાર્યક્રમો પણ તેમનાનેતૃત્‍વમાં થતા રહે છે. તેથી શ્રી બાબુભાઈ પટેલને પણ ભાજપની ટિકિટની લોટરી લાગે તો આヘર્ય માનવા જેવું નથી.
દમણ ન.પા.ના વર્તમાન અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાનું નામ પણ સાંસદની ટિકિટ માટે બોલાઈ રહ્યું છે. કારણ કે, એક પારસી લઘુમતિને ટિકિટ આપી ભાજપ હાઈકમાન્‍ડ રાષ્‍ટ્રીય સ્‍તરે પણ તેનો પડઘો પાડી શકે છે. શ્રી અસ્‍પીભાઈ દમણિયાની લોકપ્રિયતા પણ દમણ-દીવમાં નોંધપાત્ર છે.
શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે મહિલા સશક્‍તિકરણ માટે પ્રારંભમાં કરેલા પ્રયાસો ખુબ જ પ્રશંસનીય રહ્યા હતા અને સાંસદનું પદ છેલ્લા 25 વર્ષથી દાભેલ અને કચીગામની વચ્‍ચે જ ફરતું રહ્યું છે ત્‍યારે શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલની પણ શક્‍યતા નકારાતી નથી.
હાલમાં ‘ભેંસ ભાગોળે અને છાશ છાગોળે’ જેવી સ્‍થિતિ છે. ભાજપ હાઈકમાન્‍ડ કોના ઉપર કળશ ઢોળે તે ફક્‍ત હાલમાં અટકળનો વિષય છે. શ્રી લાલુભાઈ પટેલ સાંસદ તરીકે ચોથી ટર્મ માટે હોટ ફેવરિટ હોવા છતાં તેમના વિકલ્‍પ રૂપે ચર્ચાતા નામોની યાદી ખુબ લાંબી થતી જઈ રહી છે. આ ફક્‍ત એક ઝલક અત્રે રજૂ કરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં આપ પીચબનાવે તે પહેલાં જમીન સરકીઃ માજી ધારાસભ્‍ય ઈશ્વર પટેલ અને પારડી આપના પ્રમુખ વિજય શાહના રાજીનામા

vartmanpravah

રોટરી ક્‍લબ દાનહના પ્રેસિડન્‍ટ અને સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ ખાતે પંચાયત ગ્રામ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: મનરેગા યોજના અંતર્ગત રૂ.૨૨૬ લાખના ૧૫૪ કામોનું ખાતમુહૂર્ત તેમજ ૧૪ લાખના ૪૯ કામોનું લોકાર્પણ

vartmanpravah

વલસાડ જિ.પં. શિક્ષણ સમિતિ ચેરમેન ભાજપના સભ્‍ય નિર્મળાબેન જાદવનો રાજીનામા બાદ રદીયો : કોંગ્રેસમાં જોડાઈ નથી

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ ખાતે ‘વર્લ્‍ડ બ્રેસ્‍ટ વીક’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment