October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

  • આવતા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી સમગ્ર પ્રદેશ સહિત દમણ-દીવનો દરેક ક્ષેત્રનો હજુ પણ અનેકગણો થનારો વિકાસઃ સાંસદ લાલુભાઈ પટેલ

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી ઉચ્‍ચ શિક્ષણની તકો ઘરઆંગણે ઉપલબ્‍ધ થવાથી આવતા દિવસોમાં દમણવાડા સહિત સમગ્ર પ્રદેશ શિક્ષણ અને સંસ્‍કારની દૃષ્‍ટિએ બેનમૂન બનશેઃ સરપંચ મુકેશ ગોસાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પોતાના 61મા સ્‍થાપના દિવસની ઉજવણી આનંદ, ઉમંગ અને પૂર્વ સરપંચો તથા સદ્‌ગત સરપંચોના સન્‍માન સમારંભ અને વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો સાથે ખુબ જ ઉત્‍સાહપૂર્વક કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ તથા દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી અને સંઘપ્રદેશના સંયુક્‍ત પંચાયતી રાજ સચિવ શ્રી આશિષ મોહન, દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, દમણ નગરપાલિકાનાઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, પરિયારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલ, આટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલ, આટિયાવાડના જિ.પં. સભ્‍ય શ્રીમતી સુનિતાબેન હળપતિ, કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, કચીગામના જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી, પ્રદેશ ભાજપ પ્રવક્‍તા શ્રી મજીદભાઈ લધાણી, ભાજપના વરિષ્‍ઠ નેતા શ્રી બાલુભાઈ પટેલ, ભાજપના યુવા નેતા શ્રી જતિનભાઈ પટેલ, દાભેલ મંડળ ભાજપના અધ્‍યક્ષ શ્રી અમ્રતભાઈ પટેલ સહિત પૂર્વ સરપંચો, સદ્‌ગત સરપંચોના પરિવારના સભ્‍યો તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતના પ્રયાસની સરાહના કરતા જણાવ્‍યું હતું કે, દમણ સહિત પ્રદેશની તમામ ગ્રામ પંચાયતોએ પણ પોતાનો સ્‍થાપના દિવસ ઉજવવો જોઈએ. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, તેઓ પણ પહેલાં એક સરપંચ હતા ત્‍યારબાદ સાંસદ બન્‍યા હતા. સ્‍વ. શ્રી ડાહ્યાભાઈ પટેલ પણ સરપંચ બન્‍યા બાદ જ સંસદની સીડી ચડયા હતા.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની નિષ્‍ઠાથી સમગ્ર પ્રદેશ સહિત મોટી દમણના થયેલા વિકાસની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આવતાદિવસોમાં સમગ્ર પ્રદેશ સહિત દમણ-દીવનો દરેક ક્ષેત્રે હજુ પણ અનેકગણો વિકાસ થવાનો છે.
પ્રારંભમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના સ્‍વાગત વક્‍તવ્‍યમાં દમણવાડા ગ્રામ પંચાયતની 1962થી અત્‍યાર સુધી થયેલી વિકાસગાથા ટૂંકમાં વર્ણવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે 29મી ઓગસ્‍ટ, 2016થી સંભાળેલા અખત્‍યાર બાદ જ સમગ્ર પ્રદેશ સહિત દમણ અને તેમાં પણ મોટી દમણનો વિકાસ સંભવ બન્‍યો છે. તેમણે મોટી દમણના થયેલા વિકાસની વિગતો પણ જણાવી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આપણી મોદી સરકાર માનવ ઘડતર અને સર્વાંગી વિકાસમાં વિશ્વાસ ધરાવે છે. વ્‍યક્‍તિના વિકાસમાં શિક્ષણનો સિંહફાળો રહેવાથી પ્રદેશમાં અનેક ઉચ્‍ચ અભ્‍યાસની સંસ્‍થાઓ ઘરઆંગણે ખુલી છે. આવતા દિવસોમાં દમણવાડા સહિત સમગ્ર પ્રદેશ શિક્ષણ અને સંસ્‍કારની દૃષ્‍ટિએ બેનમૂન બનશે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો.
શ્રી મુકેશ ગોસાવીએ દબાતા અવાજે ગ્રામ પંચાયતોની કેટલીક સમસ્‍યાઓનો ઉલ્લેખ કરી પંચાયતી રાજ હેઠળની સત્તાઓ સુપ્રત થઈ શકે એવી વ્‍યવસ્‍થા કરવા ઉપસ્‍થિત જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી અને ડેપ્‍યુટી કલેક્‍ટર તથા સાંસદશ્રીને અરજ પણ કરી હતી.તેમણે જણાવ્‍યું હતું કે, હાલના મોટાભાગના સરપંચો પ્રમાણિક અને નીતિ-નિયમ હેઠળ ચાલનારા છે. તેથી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ ઉપર વિશ્વાસ પ્રગટ કરવા પણ આડકતરો નિર્દેશ કર્યો હતો.
પ્રારંભમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટય કરી પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો.
ગામના વિવિધ મંડળો અને દમણવાડા હાઈસ્‍કૂલ દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કૃતિઓ અને રાસ-ગરબા રજૂ કરવામાં આવ્‍યા હતા. ઉપસ્‍થિત ગ્રામજનોએ ખુબ જ આનંદ ઉત્‍સાહ અને ભાવથી કાર્યક્રમને માણ્‍યો હતો.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલ, ભામટી પ્રગતિ મંડળના અધ્‍યક્ષ શ્રી કિશોરભાઈ દમણિયા, દમણ વિદ્યુત વિભાગના નિવૃત્ત સહાયક એન્‍જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા, સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા મોટી દમણ શાખાના નિવૃત્તિ ચીફ મેનેજર શ્રી ગણેશભાઈ પટેલ, દમણ આરોગ્‍ય વિભાગના એકાઉન્‍ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન પરમાર, દમણવાડાના પૂર્વ ઉપ સરપંચ શ્રીમતી કલ્‍પનાબેન હળપતિ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આભાર વિધિ દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી પુષ્‍પારાઠોડ-ગોસાવીએ કર્યું હતું.

Related posts

જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે દરેક તાલુકાઓમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

vartmanpravah

દમણની કેટલીક ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં કલેક્‍ટર રાજાવત અને તેમની ટીમે આપેલી આકસ્‍મિક હાજરી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ચીંચપાડા અને કુડાચા ગામે દમણગંગા નદીમાંથી રેતી ચોરી કરતા ઝડપી પાડયા

vartmanpravah

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

Leave a Comment