ધરમપુરમાં વારંવાર રખડતા ઢોરોની સમસ્યા બેફામ વકરી રહી છે
છતાં પાલિકા નિષ્ક્રિય
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: ધરમપુરમાં ફરી વધુ એકવાર આખલાઓનો આતંક સપાટી ઉપર આવ્યો છે. ગઈકાલ સોમવારની રાત્રે બજાર પ્રભુ ફળીયામાં આવેલ એક મોબાઈલ સ્ટોર્સની સામે બે આખલા આતંકી બની ગયા હતા. બન્ને વચ્ચે જામેલી લડાઈમાં એક મોબાઈલ સ્ટોર્સ સામે પડેલા વાહનોને પણ નુકશાન પહોંચાડયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ધરમપુરમાં રખડતા ઢોરોની સમસ્યા બેફામ બની ગઈ છે. વારંવાર ખાસ કરીને આખલાઓ આખું શહેર માથે લેતા હોય તેમ જોરદાર લડાઈ કરતા રહે છે. ગઈકાલ રાત્રે બે આખલાઓ વચ્ચે વધુ એકવાર યુધ્ધ જામ્યું હતું. મોબાઈલ સ્ટોર્સ સામે શીંગડા ભરાવી બે આખલા વચ્ચે થયેલા યુધ્ધમાં પાર્ક કરેલ ટુ વ્હિકલોને પણ સારું એવું નુકશાન પહોંચાડયું હતું. જો કે ઘટના રાત્રે બની હતી. દિવસે આવું થયું હોય તો મોબાઈલની દુકાન સામે અને રસ્તાઓ ઉપર લોકો હોય છે ત્યારે આ આખલા શું વલે કરે તેની કલ્પના કરવી પણ દુષ્કર છે. ધરમપુરમાં વારંવાર રખડતા જાનવર ઢોરોની સમસ્યા અને ઘટનાઓ બનતી રહે છે તેમ છતાં પાલિકાના પેટનું પાણી હાલતું નથી. અગાઉ પણ આખલાઓ એક યુવાનને અડફેટે લેતા સારવારમાં યુવાનનું મોત થયું હતું. પરંતુ પાલિકાએ એ ઘટનાનો કોઈ બોધપાઠ લીધો હોય તેવું જણાતું નથી.