ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા સફળતા મળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશકશ્રી ડૉ.રાજકુમાર પાંડીયન સી.આઇ.ડી.ક્રાઇમ, ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીર સિંહ, સુરત વિભાગની સુચના અન્વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં બે વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યક્તિઓને શોધી કાઢવા અંગેની કામગીરી માટે બે વર્ષથી ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યક્તિ (પુખ્તવયના)કિસ્સાઓમાં જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કર્યો હતો સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલા સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.
ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્તવયના) ગુજરાત રાજ્ય બહાર રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ તમામ કિસ્સાઓમાં જિલ્લાના પોલીસ અધિકારીઓને જે તે રાજ્યમાં જે તે જિલ્લાના સરપંચો, ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્યક્તિઓની જાહેરાત/ફરીયાદ આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજ્યોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્યક્તિઓને શોધી કાઢવા સધન અભિયાન ચાલુ રાખવામાં આવ્યુ હતું. આ અભિયાનમાં મે અને જૂન – 2024 એમ ફકત બે જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલા બાળક/બાળકીઓ કુલ-32 તથાસ્ત્રી-પુરૂષ કુલ-47 મળી કુલ- 79ને શોધી કાઢવામાં જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. જે બદલે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.