જિલ્લા કલેકટરશ્રીએ ‘‘ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ”ના સૂત્રને સાર્થક કરવા ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: ગુજરાતના યાત્રાધામો સ્વચ્છ અને સુઘડની સાથે હરિયાળા બને તેમજ ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ તથા સ્વચ્છતા ત્યાં પ્રભૂતાના સૂત્રને સાર્થક કરવા જિલ્લાના મહત્વના યાત્રાધામો, સરકારી દેવસ્થાનો તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને આવરી લઈ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વધુમાં વધુ વૃક્ષો રોપી તમામ ધાર્મિક સ્થળોને હરિયાળા યાત્રાધામ બનાવવા જન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાએ વિવિધ ઉચ્ચ અધિકારીઓને કામગીરીની સોંપણી કરી છે. જે મુજબ વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીશ્રી અને સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષકશ્રીને નોડલ અધિકારી બનાવ્યા છે. સહ નોડલ અધિકારી તરીકે જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ અને સંબંધિત રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીઓને જવાબદારી સોંપાઈ છે. ઉપરોક્ત અધિકારીશ્રીઓએ સ્થાનિક ગ્રામ પંચાયત/ નગરપાલિકા/જિલ્લા પંચાયત, તાલુકાપંતાયત, પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, ધાર્મિક સંગઠનો, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ એનજીઓનો સહયોગ લઈ વૃક્ષારોપણનું આયોજન કરવાનું રહેશે. વૃક્ષો હશે તો જ પર્યાવરણ બચાવી શકીશું એવી જન જાગૃતિ માટે જિલ્લાની સહકારી સંસ્થાઓ, દૂધ મંડળીઓ, યુવક મંડળો, મહિલા મંડળો, સખી મંડળો, ભક્ત મંડળો, સ્વૈચ્છિક સંગઠનો, ગરબી મંડળો, સેવા સંઘો અને ધાર્મિક સંસ્થાઓને પણ સ્વૈચ્છિક રીતે સામેલ કરવા જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કરાયો છે.