(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.08 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસથી ખાનવેલ રોડ પર સામરવરણી રીંગ રોડ ફલાય ઓવરબ્રિજ ઉપર સામાન્ય વરસાદમાં જ તિરાડો પડી ગઈ હોવાનું જોવા મળ્યું છે. સંઘપ્રદેશ પ્રશાસને તાત્કાલિક ફલાય ઓવરબ્રિજ પર પડેલી તિરાડો ભરવાની કામગીરી પણ શરૂ કરી દીધી હતી.
અત્રે યાદ રહે કે, બે વર્ષ પહેલાં જ આ બ્રિજનું નિમાર્ણ કરવામાં આવ્યું હતું અને જાહેર જનતા માટે એક વર્ષ પહેલાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને હાલમાં જ બ્રિજમાં આવી તિરાડો જોવા મળી રહી છે તેથી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે શંકા ઉપજાવી રહી છે અને આ બ્રિજની ગુણવતા ચકાસવામાં આવે એ જરૂરી બન્યુ છે. ગત મહિને રખોલી પુલ પર મોટું ગાબડું પડયું હતું જેનું હજુ સુધી સંપૂર્ણ રીતે રીપેરીંગ કામ પૂર્ણ થયું નથી, તેથી તંત્ર દ્વારા ફક્ત વારંવાર ભારે અને કોમર્શિયલ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે અને આ સંદર્ભે પ્રશાસન દ્વારા ચોથીવાર પ્રતિબંધની નોટિસ જારી કરવામાં આવી છે. હવે આ સામરવરણી બ્રિજ પર તિરાડ જોવા મળતા ગુણવતાહીન નિર્માણ હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.
શું પ્રશાસન દ્વારા કામમાં ઢીલાસ રાખનારા કોન્ટ્રાક્ટરો સામેકાર્યવાહી કરવામાં આવશે કે કેમ એવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.
