(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના બ્રિજ પરથી એક વ્યક્તિએ કોઈક અગમ્ય કારણોસર આજે મોતની છલાંગ લગાવી હતી. નદીમાં ઝંપલાવનાર વ્યક્તિને શોધવાની તજવીજ ફાયર વિભાગે શરૂ કરી દીધી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અથાલ તરફથી એક વ્યક્તિ બાઈક લઈને આવ્યો હતો જેણે બાઈક બ્રિજના છેડે મુકી ચાલતા ચાલતા બ્રિજના વચ્ચેના ભાગે આવી અચાનક નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં ફાયર વિભાગની ટીમ સહિત ઘટના સ્થળ ઉપર ધસી ગયા હતા. તાત્કાલિક ફાયર વિભાગના જવાનોએ બોટની મદદથી નદીમાં ઝંપલાવનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. બાઈક નંબરના આધારેતપાસ કરતા નદીમાં ઝંપલાવનાર વ્યક્તિનું નામ રાજેશ રાઠોડ (ઉ.વ.50) રહેવાસી જલારામ કોમ્પ્લેક્ષ, નરોલી હોવાનું જાણવા મળ્યું હતું.
નદીમાં ઝંપલાવનાર વ્યક્તિના પરિવારના જણાવ્યા પ્રમાણે રાજેશભાઈ સવારે રાબેતા મુજબ નોકરી પર જવા નીકળ્યા હતા, ત્યારબાદ બપોરે ઘરે આવ્યા બાદ પોતાની બાઈક લઈને થોડીવારમાં આવું છું એમ કહીને નીકળી ગયા હતા. જ્યારે પોલીસ પ્રશાસનનો ફોન આવ્યો કે કોઈક વ્યક્તિએ નદીમાં ઝંપલાવી દીધું છે ત્યારે નદીના પુલ પાસે પહોંચીને જોતા એમની બાઈક અને શરીરે પહેરેલ જેકેટના આધારે ઓળખ થઈ હતી. રાજેશભાઈએ કયા કારણોસર આ પગલું ભર્યું એ હજી સુધી જાણી શકાયું નથી.
સેલવાસ-નરોલી રોડનો આ દમણગંગા પુલ સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત થઈ રહ્યો છે, આ અગાઉ પણ અનેક વખત આ પુલ પરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી હોવાની બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત વધુ એક બનાવ બનતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી. આ દમણગંગા નદીના પુલ ઉપરથી આત્મહત્યાના વારંવાર કિસ્સાઓ બનતા વિવિધ સંસ્થાઓ દ્વારા વહીવટી તંત્રને પુલની બન્ને બાજુએ લોખંડની જાળી લગાવવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશાસન દ્વારા કોઈ જ પગલાં ભરાઈ રહ્યા નથી.