(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી તાલુકાના તીઘરા બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા પરેશ ફરમણીશંકર જોશી તેમના પરિવાર સહિત આજથી આઠ મહિના પહેલા તારીખ 27.10.2023 ના રોજ નેપાળ ફરવા માટે ગયા હતા. આ દરમિયાન કડિયા કામ કરી મજૂરી કરતો કલમ દિલીપ અજનાર ઉંમર વર્ષ 20 રહે.સિગાચોરી ગામ, મધ્ય પ્રદેશનાઓએ પોતાના ચાર જેટલા સાથીદારો સાથે પરેશભાઈના બંધ બંગલામાં પ્રવેશી રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત આશરે બે લાખની ચોરી કરી ભાગી છુટયા હતા. જતા જતા આ સાતીર ચોરો ઘરમાં રાખેલ સીસીટીવી તથા ડીવીઆર પણ લઈ જતા ચોરીનો ભેદ ઉકેલવો થોડો મુશ્કેલ બન્યો હતો.
તારીખ 8.7.2024 ના રોજ વલસાડડુંગરી પોલીસ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરી રહેલ કલમ દિલીપ અજનારની પૂછપરછ દરમ્યાન તેણે આજથી આઠ મહિના પહેલા પારડી વિસ્તારમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
ડુંગળી પોલીસે આ અંગેની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસ આ ચોરને પારડી લઈ આવી પૂછપરછ દરમ્યાન તેણે વાપી વિસ્તારમાં કડિયા કામ કર્યા બાદ રેકી કરી પોતાના અન્ય ચાર જેટલા ઈસમો સાથે પારડી તીઘરા બ્રાહ્મણ ફળિયા ખાતેના બંધ ઘરમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનું કબુલાતાં પારડી પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તૈયારી હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટનાની તપાસ પારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી.એલ. વસાવા કરી રહ્યા છે.
