(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર, છરવાડા, વાપીમાં પાંચમી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ચેરમેન શ્રી હિંમતસિંહજી જાડેજાએ શિક્ષકોને ‘શિક્ષક દિવસ’ની શુભકામના પાઠવી હતી. આચાર્ય ડો.રાજેશ્વરી, કાઉન્સિલર ભારતી બા જાડેજા, શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ સભાગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની છબી ઉપર હાર ચઢાવી, દીપ પ્રજ્વલિત કરી, વિદ્યાર્થીઓએ સામૂહિક પ્રાર્થના કરી હતી. આ દિવસનો મહિમા જણાવતા વિદ્યાર્થીઓએ વક્તવ્યો રજૂ કર્યા હતા. કે આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે. 1962 માં, જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને તેમને તેમના જન્મ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી. તેણે જવાબ આપ્યો કે મારો જન્મ દિવસ અલગથી ઉજવવાને બદલે જો આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકેઉજવવામાં આવે તો તે મારા માટે ગૌરવપૂર્ણ લ્હાવો હશે. ત્યારથી શિક્ષક દિવસ તેમની જન્મજયંતિ એટલે કે 5 સપ્ટેમ્બરે ઉજવવાનું શરૂ થયું હતું. તેમજ આ દિવસને 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે પણ મનાવાય છે. તેમજ દર વર્ષે આ દિવસે શિક્ષકોને ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકનું મહત્ત્વ દર્શાવતા આવા માર્ગદર્શક વક્તવ્યો રજૂ કર્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાના મનપસંદ શિક્ષકોનો વિષય પસંદ કરી કક્ષામાં અભ્યાસ કરાવ્યો હતો. આમ, શિક્ષક દિવસની ઉજવણી શાળામાં હર્ષ ઉલ્લાસથી કરવામાં આવી હતી.
