(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : દાદરા નગર હવેલી મલયાલી સમાજ એસોસિએશન દ્વારા અયપ્પા મંદિરમાં ‘ઓણમ’ મહોત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. ‘ઓણમ’ એ કેરલ રાજ્યનો રાષ્ટ્રીય તહેવાર છે, જેને દરેક કેરલવાસીઓ હર્ષોલ્લાસ અને આનંદ-ઉત્સાહ સાથે મનાવે છે. એવી માન્યતા છે કે‘ઓણમ’ના દિવસે મહાબલી થિરૂવોનમના અવસરે કેરલ આવે છે.
સેલવાસ ખાતે આયોજીત ઓણમ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તહેવારની ખાસ વિશેષતા એ છે કે આ તહેવાર જાતિભેદ ભૂલીને ઉજવાય છે. જેમાં દરેક લોકો સામેલ થાય છે. જેના અંતર્ગત અયપ્પા મંદિરને ફુલ અને રંગોળીથી સજાવવામાં આવ્યું હતું. આ અવસરે અયપ્પા મંદિરના અધ્યક્ષ શ્રી કે. બી. મુરલી અને કમિટી સભ્ય, પી.એસ.આઈ. શ્રી અનિલ ટી.કે. તથા ભક્તગણ ઉપસ્થિત રહ્યા હતા. સિલી સ્થિત એડવિતા ગુરુકુલ સ્કૂલમાં પણ ઓણમ તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં સમાજના વિદ્યાર્થીઓ અને સમાજ માટે ઉલ્લેખનીય યોગદાન આપનારાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
