હોલસેલ લિકર લાયસન્સધારકો એમ.આર.પી. કરતા વધુ રકમે દારુનું કરી રહ્યા હતા વેચાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના વેટ વિભાગ દ્વારા ઇન્ડિયન મેડ ફોરેન લિકર વેચાણ લાયસન્સ ધરાવતા 60થી વધુ બાર અને વાઇનશોપને નોટિસ ફટકારવામાં આવી છે. આનોટિસ સાથે જ કર ચોરીના નાણાં જમા કરાવવાની પ્રક્રિયાથી દારૂના લાયસન્સધારકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીમાં ઓ.આઈ.ડી.સી. અને સરકારના સંયુક્ત સાહસ દ્વારા હોલસેલ લીકરનું વેચાણ કરવામાં આવે છે. લિકર લાયસન્સધારક ઓ.આઈ.ડી.સી. પાસે નોમિનલ નફા ઉપર વેટ પેટે 20 ટકા ભરીને માલ ખરીદી કરે છે. પરંતુ કેટલાક વેચાણ કરનારાઓ દ્વારા દારૂનો જથ્થો એમ.આર.પી.થી પણ વધુ રકમથી વેચાણ કરે છે. એક્સાઇઝ વિભાગની ફોર્મ્યુલા મુજબ ઊંચા ભાવે વેંચતા દારૂના આ જથ્થાની વિગતો લીકર લોબી પાસે મંગાવવામાં આવી હતી. જે વેટ વિભાગને સુપ્રત કરાતા વેટ વિભાગે એમ.આર.પી. ઉપર બાકી વેટ આકારણી કરીને વર્ષ 2020થી 2023 દરમ્યાન ભરવામાં આવેલ રિટર્નની ફેર આકારણી કરી હતી. જે બાદ ડિફોલ્ટ એસ્ટેટ્સમેન્ટ ઓફ ટેક્સ એન્ડ ઇંટ્રેસ્ટ અંતર્ગત વેટ અધિનિયમ દાદરા નગર હવેલી અને દમણ દીવ વેલ્યુ એડેડ ટેક્સ-2005 અંતર્ગત રૂલ-સી અંડર સેક્સન 32 મુજબ ફાઈનલ નોટિસ ફટકારી છે. જે વેટ ચોરીનો આંકડો 100 કરોડને પાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. ફાઈનલ રિક્વરી માટે હાલમાં જે 60થી વધુ લિકર લાયસન્સધારી પાસે ફેર આકારણીની રકમ માટે ઉઘરાણી કરવામાં આવી છે જેમાં મુખ્યત્વે હોટલ સુરજ ઈન પાસે18 કરોડ 50 લાખ, હોટલ સુરજ પાસે 7 કરોડ 60 લાખ, હોટલ વિનિસ પાસે 15 કરોડ, ખુમાર બાર પાસે 14 કરોડ, રોયલ બાર પાસે 4 કરોડ 15 લાખ અને શીતલ બાર પાસે 1 કરોડ 74 લાખ અને હોટલ નિખિલને 3 કરોડ 42 લાખ ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી છે. આ સિવાય એક કરોડથી નીચેની રકમના અન્ય કેટલીક હોટલો, વાઇનશોપ અને બાર સંચાલકોને પણ ભીંસમાં લેવામાં આવ્યા છે.