દાનહના ડોકમરડી ખાતે એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયો ઉપ રાષ્ટ્રપતિનો જાહેર કાર્યક્રમ
‘‘દેશમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો મહાયજ્ઞ થઈ રહ્યો છે જેમાં આપણાં દરેકની આહૂતિ જરૂરી છે, પાયો નંખાઈ ગયો છે, ઈમારત પણ બની ગઈ છે, વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થવાનું નિશ્ચિત છે”: ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 21: દાદરા નગર હવેલીના ડોકમરડી સ્થિત ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડના અધ્યક્ષ સ્થાને એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ભારતના ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી માટે જણાવ્યું હતું કે, ‘‘પ્રફુલ પટેલ નામહી કાફી હૈ, નામ કા મતલબ કામ, જો ભી મૈં દેખ રહા હું અદ્ભૂત હૈ.”
ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સંઘપ્રદેશની મુલાકાતના પહેલા દિવસે દમણની અનેક વિકાસ યોજનાઓ નિહાળી હતી. તેમણે આજે પ્રશાસકશ્રીના કામની ભરપેટ પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જે પણ મેં જોયું છે તે અદ્ભૂત છે.
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ઓડિટોરિયમમાં આયોજીત કાર્યક્રમ પહેલાં ઉપ રાષ્ટ્રપતિ શ્રી ધનખડે નમો મેડિકલ કોલેજ સહિત વિવિધ વિકાસ યોજનાઓ પણ નિહાળી હતી.
આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે લોકસભાના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, ભારતની બહાર જઈ ભારત દેશની વગોવણી કરવી તથા ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડવાની ચેષ્ટા કરવાનો કોઈને અધિકાર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે મેડિકલ ટુરિઝમ, સફારી ટુરિઝમ તો જોઈ છે, પરંતુ સવાલ એ છે કે, દેશવિરોધી ટુરિઝમ કેમ થઈ રહ્યું છે? બહાર જવાનું અને ભારતના વિરૂદ્ધ એલફેલ વાત કરવી એવું નહીં થવું જોઈએ અને આવા મૌકા ઉપર આપણે મૌન બેસી રહીએ તો આપણે પણ આ દુષ્કર્મના ભાગીદાર બનીએ છીએ. ભારતના હિત ઉપર કુઠરાઘાત કરવો, ભારત માતાની છાતીમાં ચાકુ ઘુસાડવાથી ઓછું નથી. આ પ્રકારની ચેષ્ટા કોઈપણ હાલતમાં બર્દાસ્તનહીં કરાશે.
ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે વધુમાં જણાવ્યું હતું કે, જે 30 વર્ષમાં નથી થયું તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું છે. દેશની મહિલાઓને એવી ભેટ આપી છે જે વિશ્વમાં ક્રાંતિનું સૌથી મોટું સીમાચિહ્ન સાબિત થયું છે.
ઉપ રાષ્ટ્રપતિ શ્રી ધનખડે જણાવ્યું હતું કે, દેશમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો મહાયજ્ઞ થઈ રહ્યો છે જેમાં આપણાં દરેકની આહૂતિ જરૂરી છે. પાયો નંખાઈ ગયો છે, ઈમારત પણ બની ગઈ છે. વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થવાનું નિヘતિ છે.
પ્રારંભમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિના ધર્મપત્ની શ્રીમતી સુદેશ ધનખડનું સ્વાગત કરવાની તક દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને સાંપડી હતી.
આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ આધારિત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તૂત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, જિ.પં. ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટી, ઉપ પ્રમુખ શ્રી કિશનસિંહ પરમાર, ઉદ્યોગપતિઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પૂર્વ સાંસદ શ્રી સીતારામ ગવળી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.