પ્રધાનમંત્રીના મનની વાત વાસ્તવમાં ભારતની વાત, લોકોને પોતાના સ્વપ્ન પૂર્ણ કરવા પણ પ્રેરિત કરે છેઃ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને આપેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 21: દાદરા નગર હવેલીની નમો મેડિકલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં વિદ્યાર્થીઓ સાથે ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે વિસ્તૃત વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારા શબ્દોને યાદ રાખો પ્રધાનમંત્રીના મનની વાત વાસ્તવમાં ભારતની વાત છે. આ વાત સમાજના દરેક વર્ગને સ્પર્શે છે. આ વાત લોકોને સપના બતાવે છે અને લોકોને બતાવે છે કે, તે કેવી રીતે કોઈપણ ચીજને મેળવાની આકાંક્ષા કરી શકે છે. આ વાત અહીંથી પુરી નથી થતી. લોકોને એ પણ બતાવે છે કે તમારા સ્વપ્નો કેવી રીતે પૂર્ણ થઈ શકે.
ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, તમે તો ખુબ જ ભાગ્યશાળી છો. અમારા બચપનમાં અમે અનેક પડકારોનો સામનો કર્યો છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, દરેક સમયે શીખતા રહો. કોઈપણ દિવસ ડરો નહીં. ડર નવાચાર અને બુદ્ધિનો સૌથી મોટો હત્યારો છે. તેમણે નિષ્ફળતાથી નહીં ડરવા અનેહંમેશા સકારાત્મક માનસિકતા રાખવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉપ રાષ્ટ્રપતિશ્રીને કોલેજના નિર્માણ સંબંધિ માહિતીથી વાકેફ કર્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઉપ રાષ્ટ્રપતિશ્રીને વિવિધ રસપ્રદ માહિતીઓ અને પ્રોજેક્ટોથી માહિતગાર કર્યા હતા.