ટેન્કર વાપી આરતી ઈન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ભરી ઝઘડીયા કંપનીના
પ્લાન્ટ ઉપર જઈ રહ્યુ હતું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વાપી નેશનલ હાઈવે ઉપર આજે ગુરૂવારે બપોરે જલદ કેમિકલ ભરેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે લુઝ પેકીંગના કારણે ટેન્કરમાંથી છાંટા ઉડયા હતા. બાજુમાંથી પસાર થતી કામદારો ભરેલી બસમાં બેઠેલા કામદારો કેમિકલના છાંટાથી 6 જેટલા કામદારો દાઝી જતા ચકચાર મચી જવા પામી હતી.
ઘટનાની વિગતો મુજબ આજે ટેન્કર નં.એમએચ 04 કેવી 3636 આરતી ઈન્ડસ્ટ્રીઝ જીઆઈડીસી વાપીથી ટેન્કરમાં જલદ કેમિકલ ભરી ભરૂચ ઝઘડીયા આરતી ઈન્ડસ્ટ્રીઝના પ્લાન્ટ ઉપર જવા રવાના થયું હતું. વાપી હાઈવે ઉપર ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે સામેથી વેલ્સપન કંપની મોરાઈની કામદારોને લઈને બસ જઈ રહી હતી ત્યારે લુઝ પેકીંગ હોવાથી ટેન્કરમાંથી કેમિકલના છાંટા ઉડેલા. જેથી બસમાં બેઠેલા 6 જેટલા કામદારો દાઝ્યા હતા. ટેન્કર ચાલક ભાગવા જતો હતો ત્યારે લોકોએ ઝડપી પાડયો હતો. દાઝેલા કામદારોને હરિયા રોટરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.