તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતના વિકાસ કાર્યોમાં ધારાસભ્યો દ્વારા લેવાતી કટકી કમલમ સુધી પહોંચતી હોવાનો આક્ષેપ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વલસાડ જિલ્લામાં કોંગ્રેસની જનમંચ રેલી બે દિવસથી યોજી રહ્યા છે. આજેધરમપુરમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી જનમંચ રેલીમાં અમિત ચાવડાએ સભા ગરજી હતી અને સરકારને આડે હાથે લીધી હતી.
આગામી સમયે વલસાડ જિલ્લાની વલસાડ-પારડી અને ધરમપુર નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની હોવાથી વલસાડ જિલ્લા કોંગ્રેસ સક્રિય બની રહી છે. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા કાર્યકરોમાં જોસ ઉમંગ ભરવા માટે ઠેર ઠેર જનમંચ રેલી યોજી રહ્યા છે. તે અંતર્ગત ધરમપુરમાં કોંગ્રેસની જનમંચ રેલી યોજાઈ હતી. રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, મિલનભાઈ દેસાઈ જેવા કોંગ્રેસના નેતા અને હોદ્દેદારો જનમંચ રેલીમાં જોડાયા હતા. ધરમપુરમાં રેલીને સંબોધતા અમિત ચાવડાએ વિવિધ આક્ષેપો કરી સરકારને આડે હાથે લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 7 હજાર પંચાયતો, 72 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતમાં સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજતી નથી અને વહીવટદારો નિમણૂંક કરી વહિવટદારોનું રાજ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ચૂંટણી લડવા તૈયાર છે. તેમણે મોટો આક્ષેપ એવો કર્યો હતો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો અને મનરેગાના વિકાસ કામોમાં ધારાસભ્યો દ્વારા કટકી લેવાય છે અને એ નક્કી ગાંધીનગર કમલમ સુધી પહોંચેછે. અમે ભ્રષ્ટાચાર અને વહીવટદારોને નાબુદ કરવા માગીએ છીએ.