સરપંચ સહદેવભાઈ વઘાતે બોલાવેલી સામાન્ય સભામાં હાજરી ન આપી તલાટી કમ મંત્રી વિરલભાઈ પટેલે સભાનું સંચાલન કરવાથી બનાવેલું અંતર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: આજરોજ સરીગામ પંચાયતના સરપંચશ્રી સહદેવભાઈ વધાતના અધ્યક્ષતા હેઠળ મળેલી સામાન્ય સભા તલાટી કમ મંત્રીશ્રી વિરલભાઈ પટેલની હાજરી વગર પૂર્ણ થવા પામી હતી. તલાટી કમ મંત્રીશ્રી એમની કચેરીમાં હાજર હોવા છતાં સામાન્ય સભાના સંચાલન માટે સભાખંડમાં જવાનું ટાળતા બંને વચ્ચે ચાલી રહેલી વિરોધાભાસ નીતિ ઉજાગર થવા પામી છે. અને આજની પૂર્ણ થયેલી સભા માટે પણ અસમંજસની સ્થિતિ ઊભી થવા પામી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ સરીગામ પંચાયત સને 2024-25 નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરાવવા બાબતે કાયદાની મઠાગાઠમાં સપડાયેલી છે. જે બાબતે નામદાર હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં.5735/2025 દાખલ કરવામાં આવેલી છે અને જેનો અંતિમ ચુકાદો આવવાનો બાકી છે. જેથી સામાન્ય સભાના બોલાવવાના મુદ્દે અસમર્થ તલાટી કમ મંત્રીએ તાલુકા વિકાસ અધિકારીનુ માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને તાલુકા વિકાસ અધિકારીએ પણ નિર્ણય લેવા પહેલા જિલ્લા વિકાસ અધિકારી પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. આ સંદર્ભમાં નાયબજિલ્લા વિકાસ અધિકારી શ્રી એ. વી. ડાંગીએ લેખિત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે નામદાર હાઇકોર્ટના ચુકાદા તથા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમોને આધીન કાયદા તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે સભાનું આયોજન હાથ ધરવા સૂચન કર્યું હતું. આ લેખિત આદેશનો સરપંચશ્રીએ અને તાલુકા વિકાસ અધિકારીએ કરેલા અર્થઘટનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. આ પ્રકરણમાં તાલુકા વિકાસ અધિકારીએ સરીગામ ગ્રામ પંચાયતનું સને 2024-25 નું વાર્ષિક અંદાજપત્ર અત્યાર સુધી મંજૂર થયેલ ન હોય તેમજ સરીગામ ગ્રામપંચાયતના સદરહુ પ્રકરણે નામદાર હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ થયેલ હોય જે કેસ હાલે પેન્ડિગ હોય તેમજ માનનીય વિકાસ કમિશનરશ્રીની કચેરીએથી સદરહુ ગ્રામ પંચાયત બજેટના મંજૂર થતા સુપરસીટ માટેની ફરિયાદ હાલે ચાલુ હોય, સરીગામ ગ્રામ પંચાયતની તારીખ 26/9/24 ના રોજ મળનારી ખાસ સામાન્ય સભા હાલે મૌકુફ રાખવા આ પ્રમાણે રિપોર્ટ કરેલ છે. જે હુકમનું તલાટી કમ મંત્રીશ્રીએ પાલન કરતા સામાન્ય સભાની બેઠકમાં સંચાલન માટે જવાનું ટાળ્યું હતું.
આ અગાઉ પંચાયત ધારા મુજબ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી બોલાવવામાં આવતી સામાન્ય સભાનું સરપંચશ્રી દ્વારા તારીખ 26/9/2024 ના રોજ આયોજન કરવામાંઆવ્યું હતું. આ સભાના એજન્ડા રેગ્યુલર તલાટી કમ મંત્રી ગેરહાજર રહેતા એમના સ્થાને ચાર્જમાં આવેલા તલાટી કમ મંત્રીશ્રી રિતેશકુમાર જે. ગોહિલે બજવણી કરી દીધા હતા. આમ નિયમ મુજબ સામાન્ય સભા બોલાવવામાં આવી હોવાનું સરપંચ દ્વારા અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.