(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: આગામી દિવાળીના તહેવારો દરમિયાન એસ. ટી. નિગમ વલસાડ વિભાગ દ્વારા મુસાફર જાહેર જનતાને પોતાના વતનમાં જવા માટે વિશેષ બસની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરો સરળ, સલામત અને સુરક્ષિત યાત્રા માણી શકે તે માટે એસટી તંત્ર કટિબધ્ધ છે. તા.24/10/2024 થી તા.09/11/2024 દરમિયાન આ ખાસ વધારાની બસો મુસાફર જનતાની સુવિધા અને વધારાના ટ્રાફિકના ધસારાને ધ્યાને લઇ વિશેષ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ તમામ બસો ખાસ સ્પેશિયલ એક્સ્ટ્રાના ધોરણે ગ્રૂપ બુકિંગના માધ્યમથીઅમદાવાદ અને પંચમહાલના વિસ્તારના ગામો તથા રાજ્યના અન્ય સ્થળો માટે પણ ચલાવવામાં આવશે, સાથો સાથ આજ રીતે ગ્રૂપ બુકિંગ હેઠળ આખા વર્ષ દરમ્યાન પણ આપના દ્વારેથી ગુજરાત રાજ્યની હદ વિસ્તાર માટે લાભ મેળવી શકાશે.
આ સમયગાળા દરમિયાન ગ્રૂપ બુકિંગથી આખી બસનું 51 સીટનું બુકિંગ કર્યેથી આપના રહેણાંક વિસ્તારથી એટલે કે વલસાડ, નવસારી અને ડાંગના જે સ્થળેથી માંગણી થયેથી આપના વતનના ગામના પાદર સુધી ગુજરાત રાજ્યની હદમાં આ બસોની સુવિધા આપવામાં આવશે. આ બસોનું બુકિંગ કરાવવા માટે એસટી વલસાડ વિભાગના વલસાડ, નવસારી, બીલીમોરા, વાપી, આહવા અને ધરમપુર ડેપો ખાતે ડેપો મેનેજરનો રૂબરૂ સંપર્ક કરી ગ્રૂપ બુકિંગ કરાવી શકાશે, ઉપરાંત એસ.ટી.માન્ય બુકિંગ એજન્ટો, GSRTC Official Ticket Boking App, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી ઓનલાઈન રેગ્યુલર ટિકિટનું બુકિંગ પણ કરાવી શકાશે.