શાળાના શિક્ષકોની ટીમ ભાવનાને બિરદાવતા મંડળના પ્રમુખ જયશ્રીબેન પટેલ ગરીબ અને આદિવાસી બાળકો માટે શાળા આશીર્વાદરૂપ બની

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ તાલુકાના ચીખલા ગામ ખાતે આવેલી વિહંગમ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષક મુકેશભાઈ પટેલ વય મર્યાદાને કારણે નિવૃત થતા તેમને ભવ્ય નિવૃત્તિ વિદાયમાન આપવાનો કાર્યક્રમ મુંબઈની સ્પર્શસંસ્થાના પ્રમુખ મહર્ષિ દવેના અધ્યક્ષપણા હેઠળ અને ભારતીય વિકાસ પરિષદ સંસ્થાના પ્રમુખ અને પીઢ આદિવાસી મહિલા અગ્રણી જયશ્રીબેન પટેલના વડપણ હેઠળ યોજાયો હતો.
આ પ્રસંગે શાળામાં દીર્ઘકાલીન અને શિક્ષક તરીકે ઉમદા સેવાઓ આપી નિવૃત્તિ લઈ રહેલા મદદનીશ શિક્ષક મુકેશભાઈ પટેલની કાર્યશૈલીને બિરદાવતા શાળા સંચાલક મંડળના પ્રમુખ જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે આ શાળા માં અભ્યાસ કરતા તમામ ગરીબ અને આદિવાસી બાળકોને તેમણે ખુબ દિલ રેડીને શિક્ષણ આપી શિક્ષક તરીકેનો ધર્મ ખુબ દિલથી બજાવ્યો છે. તેમની નિવૃત્તિ વિદાયથી આ શાળાને બહું મોટી ખોટ લાગવાની છે. તેમણે કહ્યું કે ચીખલા જેવા નાના અને પછાત વિસ્તારના ગામમાં 1985 માં પૂર્વ ધારાસભ્ય સદ્દગત સવિતાબેન પટેલે આ માધ્યમિક શાળા શરૂ કરી હતી. આ શાળાએ અનેક ચડતી પડતી જોઈ છે. ધરમપુર, કપરાડા અને ડાંગ જિલ્લાના ઉંડાણના ગામોના આદિવાસી અને ગરીબ બાળકો અહીં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. અનેક મુશ્કેલીઓ છતાં શિક્ષકોની અપાર લાગણી અને ટીમ ભાવનાથી શાળા અવિરતપણે ચાલી રહી છે. તેનો મને આનંદ છે. તેમણે નિવૃત થતા શિક્ષક મુકેશભાઈને અંતરથી શુભકામનાઓ પાઠવી શાળામાં તેમનો સહયોગ નિરંતર જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગેઉપસ્થિત મુબઈની સ્પર્શ સંસ્થાના પ્રમુખ મહર્ષિ દવેએ શાળાના શિક્ષકોની ટીમ ભાવનાને બિરદાવી ગરીબ અને આદિવાસી બાળકો માટે આ શાળા આશીર્વાદરૂપ બની છે ત્યારે શાળાની ખુબ પ્રગતિ થાય એવી આશા વ્યક્ત કરી હતી. વલસાડ તાલુકા પંચાયતના કારોબારી સભ્ય આશિષભાઈ ગોહિલે તેમના ઉદબોધનમાં શાળાના વિકાસમાં જયશ્રીબેન પટેલની સેવા-ભાવનાને બિરદાવી કહ્યું હતું કે આ શાળાના છાત્રાલયમાં અભ્યાસ કરીને અનેક ગરીબ આદિવાસી બાળકોને શિક્ષણ મેળવી રહ્યા છે. તેમના માટે આ શાળા વરદાયિની સાબિત થઈ છે.
આ પ્રસંગે નિવૃત થતા શિક્ષક મુકેશભાઈ પટેલે શાળાના સંચાલક મંડળના પ્રમુખ જયશ્રીબેન પટેલની ગરીબ અને આદિવાસી બાળકો માટે શિક્ષણ આપવા માટેની ઉદારતા અને પ્રેમ ભાવના તથા કુશળ નેતૃત્વની સરાહના કરી હતી. શાળાના આચાર્ય ચીમનભાઈ પટેલે નિવૃત થતા શિક્ષક મુકેશભાઈ પટેલની કામગીરી બિરદાવી તેમના નિવૃત્તિ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વલસાડ રોટરી ક્લબના પ્રમુખ નિરાલી ગજ્જર, ચીખલાના સરપંચ અનિલભાઈ પટેલ, નિકુંજભાઈ, ભીખાભાઈ, વિવિધ શાળાઓના આચાર્યો, ગ્રામજનો, શાળાના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા. શાળાના બાળકોએ પ્રાર્થના, સ્વાગત ગીત અને ડાંગી નૃત્ય રજૂ કર્યું હતું. નિવૃત લઈ રહેલા શિક્ષક મુકેશભાઈપટેલને ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્ય વિદાય આપવામાં આવી હતી.

