-
સમગ્ર સંઘપ્રદેશમાં આનંદની લાગણીઃ પાંચ વર્ષ બાદ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત કરવા સંઘપ્રદેશને મળેલી તક
-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષણના ક્ષેત્રમાં સુધારણાં માટે કરેલા નિરંતર પ્રયાસો પ્રદેશના શિક્ષકો માટે સૌથી મોટી પ્રેરણા અને માર્ગદર્શન શિક્ષણના ક્ષેત્રમાં રહેલો સફળતાનો આધાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : ‘શિક્ષક દિવસ’ અવસરે ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ દેશભરના 75 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023થી સન્માનિત કર્યા હતા, જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી વિદ્યાલય સેલવાસના ગુજરાતી માધ્યમના શિક્ષક શ્રી શ્યામ સુંદર રામચંદ ખાનચંદાનીનો પણ સમાવેશ થતો હતો. છેલ્લા 5 વર્ષ બાદ સંઘપ્રદેશના એક શિક્ષકને રાષ્ટ્રીય પુરસ્કાર માટે મળેલી તક બદલ સમગ્ર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ આલમમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમામ 75 શિક્ષકોને પુરસ્કારમાં 50હજાર રૂા. રોકડા, પ્રશસ્તિપત્ર, શાલ અને શ્રીફળ આપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શિક્ષણના ક્ષેત્રમાં સુધારણાં માટે કરેલા નિરંતર પ્રયાસો પ્રદેશના શિક્ષકો માટે સૌથી મોટી પ્રેરણા અને તેમનું માર્ગદર્શન હંમેશા શિક્ષણના ક્ષેત્રમાં સફળતાનો આધાર રહ્યો છે.
શિક્ષક શ્રી શ્યામ સુંદર રામચંદ ખાનચંદાનીની રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી તેમણે શિક્ષણ ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ટ યોગદાનના કારણે થઈ છે. તેમણે એક શિક્ષક તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે હંમેશા શિક્ષણમાં નવાચારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શિક્ષણની સાથે ઈતર પ્રવૃત્તિઓના કાર્યક્રમમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. શાળા શિક્ષણને રોચક અને રસપ્રદ બનાવવા માટે તેમણે વર્ગશિક્ષણમાં ટેક્નોલોજીનો પ્રયોગ કર્યો છે. જેના કારણે તેમની રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023 માટે પસંદગી થઈ છે.
પુરસ્કાર ગ્રહણ કરવા દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ગયેલ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષક શ્રી શ્યામ સુંદર રામચંદ ખાનચંદાનીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. શિક્ષક શ્રી શ્યામ સુંદર રામચંદ ખાનચંદાનીની આ ઉપલબ્ધિથી સમસ્ત શિક્ષણ વિભાગેતેમને હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા છે.