(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના આસપાસના સમરોલી, ખૂંધ, થાલા, મજીગામ સહિતના વિસ્તારમાં હાલે દિવાળીના પર્વને લઈને જાહેર માર્ગોની આજુબાજુ ઠેર ઠેર સ્ટોલ ઉભા કરી કોઈપણ નિયમોનું પાલન કર્યા વિના બેરોકટોકફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તાલુકામાં પ્રાંત કચેરી દ્વારા ફટાકડાના વેચાણ માટે પચાસેક જેટલાને મંજૂરી અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આ મંજૂરીની સામે કોઈપણ જાતની મંજૂરી વિના બે ઘણાથી વધારે લોકો બેરોકટોક ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે.
વધુમાં પ્રાંત અધિકારી દ્વારા જેમને મંજૂરી આપવામાં આવી છે તેમાં પણ કેટલાક પાસે ફાયર સેફટીની વ્યવસ્થા છે અને કેટલા એ ફાયર સેફટીની એનઓસી રજૂ કરી હશે તે પણ મોટા સવાલ છે. આ ઉપરાંત મંજૂરી વિના વેચાણ કરનારાઓમાં તો કોઈ જ સલામતી વ્યવસ્થા જોવા મળતી નથી. હકીકતમાં ફાયર સેફટીની એનઓસી સાથે અગ્નિશામક સિલિન્ડર સહિતની વ્યવસ્થા ફટાકડાના વેચાણના સ્થળે ફરજિયાત વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ મહત્તમ સ્ટોલો ફટાકડાના વેચાણની દુકાનોમાં આવી વ્યવસ્થા નો અભાવ જણાઈ રહ્યો છે. બીજી તરફ તંત્રની ગાંધારાની ભૂમિકા ભજવી મૌન સેવી રહ્યું છે.
ચીખલી – રાનકુવાની આસપાસના વિસ્તારમાં હાલે તહેવારના સમયે લોકોની અવર-જવર વધી જતા ઘણી જગ્યાએ ભીડ જોવા મળી રહી છે. માર્ગો પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર સજાતા હોય છે. આવી સ્થિતિમાં ફેર સેફટીની વ્યવસ્થા વિના આડેધડ રીતે બેરોકટોક ફટાકડાના વેચાણ દરમિયાનકોઈ દુર્ઘટના સર્જાઈ જાનહાની થાય તો જવાબદાર કોણ? લોકોની સલામતીનું શું? એવા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.
રાજ્યમાં અવારનવારની દુર્ઘટનાઓ બાદ ચીખલીમાં અધિકારીઓ કોઈ શીખ ન લઈ લોકોની સલામતી માટે બેફિકર હોય તેમ લાગી રહ્યું છે.
