પોલીસે દારૂનો જથ્થો-મુદ્દામાલ સાથે ચાલકની અટક કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વલસાડ રૂરલ પોલીસે વલસાડ હાઈવે ઉપરથી માછલીના બોક્ષની આડમાં સંતાડાયેલ રૂા.5.23 લાખનો દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ટ્રક ચાલકની અટક કરી હતી.
બુટલેગરો અને દારૂના ખેપીયાઓ સેલવાસ-દમણથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા અવનવા પેંતરા અજમાવતા રહે છે તે અનુસાર વલસાડ રૂરલ પોલીસને બાતમી મળીહતી કે દમણથી બિલીમોરા પહોંચાડવા દારૂનો જથ્થો ભરેલી ટ્રક નિકળવાની છે તેથી રૂરલ પોલીસે હાઈવે ઉપર વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન બાતમી વાળી ટ્રક નં.જીજે 11 ઝેડ 7222 ની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ટુંકમાં માછલીના આઈસ બોક્ષની આડમાં માછલીઓ સાથે દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે રૂા.5.23 લાખનો દારૂનો જથ્થો તથા મુદ્દામાલ તરીકે ટ્રક કબજે કરી ચાલકની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.