(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલી તાલુકાના મજીગામ ગામે સમર ગ્રુપ નામનું ગ્રુપ ઉભું કરી ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે રૂ.2.94 કરોડ રૂપિયાનું રોકાણ કરાવી પરત ન કરી વિશ્વાસઘાત કરનાર સમર ગ્રુપના ઝડપાયેલા બે ડિરેક્ટરો અને એક કર્મચારીને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા.
મળતી માહિતી મુજબ વર્ષ 2019 માં મજીગામ ગામે સમર ગ્રુપ નામનું ગ્રુપ ઉભું કરી 145 થી વધુ રોકાણકારોને ઊંચા વળતરની અને નવી ટુ બ્રધર્સ મુતુલ નિધિ લિમિટેડ નામની મોટી કંપની ખોલવાની છે. તેવી લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્કીમ બનાવી એજન્ટો મારફતે રૂ.2,94,11,800/- નું રોકાણ કરાવી રકમ પરત આપી ન હતી. ઉપરોક્ત રોકાણની રકમ સામે પાકતી મુદતે રૂ.5,02,36,205/- પાકતા હોવાનું જણાવી ચીખલીથી લઈ ઉમરગામ-ગોરેગામ તથા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સુધીના લોકોને ડીજીટલ વોલેટ, ગોલ્ડ સ્કીમ, ડીજીટલ વોલેટ, એફડી સ્કીમ, બાઇક સ્કીમ સહિત વિવિધ સ્કીમો બનાવી સમર ગ્રુપ કંપનીમાં રોકાણ કરવાની પાકતી મુદતે દસ મહિનાના તથા બાર મહિનાના એફડી પ્લાનમાં અનુક્રમે 75-ટકા અને 95-ટકા વ્યાજ આપશે તેવી લોભામણી જાહેરાતો આપી રોકેલા નાણાં પાકતી મુદતે પરત ન આપ્યાહોવાનું બહાર આવતા પોલીસે સમરગ્રુપના ડિરેક્ટરો ઉપરાંત કર્મચારી સામે વિશ્વાસઘાત-છેતરપિંડી અને ગુજરાત પ્રોટેકશન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સની કલમની જોગવાઈ મુજબનો ગુનો નોંધી સમર ગ્રુપના ડિરેક્ટરો મીરલ મહેશ પટેલ (રહે.મજીગામ ઉતારા ફળીયા તા.ચીખલી) તથા ચેતાલી સાગર રાઠોડ (રહે.કસ્બા ફળીયા ચીખલી તા.ચીખલી જી.નવસારી) અને કર્મચારી અનિલ બાબુભાઈ રાઠોડ (રહે.દશેરા ટેકરી બાલાપીર દરગાહ સાંઇ મંદિર પાસે તા.જી.નવસારી) કોર્ટમાં રજુ કરતા કોર્ટે આગામી 8 નવેમ્બર 2024 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે રિમાન્ડ દરમ્યાન છેતરપિંડીનો આંકડો હજુ પણ વધવાની શકયતાઓ રહેલી છે.
—-
