(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનઅને દિશા-નિર્દેશમાં દમણ જિલ્લા પ્રશાસને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત ઉત્તરાખંડ રાજ્યનો 24મો સ્થાપના દિવસ દમણ કલેક્ટરાલય ખાતે 9મી નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો હતો.
દમણ કલેક્ટર કાર્યાલય ખાતે આયોજીત ઉત્તરાખંડ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે દમણ જિલ્લામાં વસવાટ કરી રહેલા ઉત્તરાખંડ રાજ્યના નાગરિકોનું દમણના ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલે અભિવાદન કર્યું હતું અને ઉત્તરાખંડ રાજ્યના રાજ્યપાલનો વિડિયો સંદેશ પ્રસ્તૂત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દમણના ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસા માટે ગૌરવ લઈ શકે છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ જુદા જુદા રાજ્યો અને સંઘપ્રદેશના લોકો એકબીજાથી અરસ-પરસ પોતાની ભાવના પ્રગટ કરે એવો હેતુ રહેલો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમોથી એકબીજાના વિસ્તારની ભાષા, સંસ્કૃતિ, રૂઢિ, સંગીત, પ્રવાસન અને પોતાના વ્યંજનોથી પણ માહિતગાર થઈ શકે છે.
