(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડીના ખડકી દેસાઈવાડ ખાતે રહેતી રવિનાબેન જગુભાઈ હળપતિ ઘરકામ કરવા માટે તારીખ 30-10-2024 ના રોજ ટૂકવાડાના અવધ યુટોપિયા બંગલા નંબર 181 માં રહેતી ભારતીબેન નવનીતભાઈ શાહના ઘરે ગઈ હતી. દિવસ ભર ઘરકામ કરાવ્યા બાદ આ પૂર્ણ દિવસની મજૂરીના પૈસા ન આપી ભારતીબેને રવિનાને અમે અઠવાડિયા માટે બહાર જઈએ છીએ હું બોલાવું ત્યારે આવજે હોવાનું કહી મજૂરી આપ્યા વિના કાઢી મૂકી હતી.
રોજ કમાઈને રોજ ખાવાવાળા રવિનાબેને પોતાનાપરિવારનો પેટનો ખાડો પુરવા ભારતીબેને કામ માટે ના પાડતા અન્ય જગ્યાએ ખેતી કામની મજૂરી માટે જવું પડ્યું હતું. થોડા દિવસો બાદ પરત ફરેલ ભારતીબેને રવીનાને મોબાઈલ ફોન કરેલ પરંતુ મજુરી કામમાં વ્યસ્ત રવિનાએ ફોન ન ઉપાડતા ભારતીબેનનો ઈગો હટ થતાં અને પોતાનામાં રહેલ ઉચનીચ તથા જાતિનો કીડો સળવળી ઉઠતા તેણે પોતાના મોબાઈલથી બિભસ્ત ભાષામાં લાગણી દુભાઈ એવી રીતે જાતિ વિશે ગાળો બોલી તેની ઓડિયો ક્લિપ બનાવી રવિના બેનને મોકલી આપી હતી. આટલેથી જ ન અટકતા ફરીથી બીજી ઓડિયો ક્લિપ મોકલાવી વારંવાર આવી ઓડિયો ક્લિપ સાંભળજે હોવાનું જણાવ્યું હતું.
ઓડિયો ક્લિપ સાંભળી પોતાની લાગણી દુભાતા રવિનાબેને સમાજના આગેવાનોને આ બનાવ અંગે તથા પોતાના મોબાઈલ પર આવેલ ઓડિયો ક્લિપ સંભળાવતા સમાજમાં આ બનાવને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સૌ પ્રથમ પારડી પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ આપી આદિવાસી સમાજના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પારડી પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યા બાદ આ કોપી આદિજાતિ મંત્રી ગુજરાત, અનુસૂચિત જનજાતિ આયોગ, આઈ.જી. રેન્જ સુરત, એસપી કચેરી વલસાડ, ડિ.વાય.એસ.પી. વલસાડ વિગેરે સ્થળે આ કોપી પહોંચતી કરવામાં આવીહતી. આટલેથી જ ન અટકતા સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉમરગામ, બીલીમોરા, નવસારી, સુરત જેવા સ્થળે આદિવાસી મંડળ દ્વારા આવેદનપત્ર અપાતા મુંબઈ થી અમદાવાદ સુધી સમગ્ર આદિવાસી સમાજમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
બનાવની ગંભીરતા જોતા વલસાડ એસ.પી. કરણરાજ વાઘેલાની સૂચના મુજબ તારીખ 18.11.2024 ના રોજ આ આદિવાસી યુવતી રવિનાને જાતિ વિશે અપશબ્દ બોલી લાગણી દુભાવનાર ટૂકવાડા અવધ ઉટોપિયા બંગલા નંબર 181 ખાતે રહેતી ભારતીબેન નવનીતભાઈ શાહ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનએ નોંધવામાં આવી હતી અને ફરિયાદની તપાસ વલસાડના ડીવાયએસપી એ.કે. વર્માને સોપવામાં આવી છે ત્યારે આદિવાસી સમાજના વિવિધ મંડળો તથા આગેવાનો અને ફરિયાદી પોતે પોતાના સમાજ વિરુદ્ધ જાતિ વિષયક ગાળો આપનારી આ ઉચ્ચ વર્ણની મહિલાને યોગ્ય સજા કરે એવું સમગ્ર આદિવાસી સમાજ આશા વ્યક્ત કરી રહ્યું છે.
