સરીગામ જીપીસીબી કચેરીમાં રજૂઆત માટે ગયેલા આદિવાસીઓને પ્રાદેશિક અધિકારી એ. ઓ. ત્રિવેદીએ મારે આ આદિવાસીઓને મળવું નથી એમ જણાવી વોચમેનની કેબીન પછી અંદર પ્રવેશવાની મંજૂરી ના આપતા ગાંધીનગર ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદની ઉચ્ચ કચેરીએ ગંભીર નોંધ લેતા માંગવામાં આવેલ ખુલાસો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: સરીગામ જીપીસીપી કચેરીના પ્રાદેશિક અધિકારી શ્રી એ. ઓ. ત્રિવેદી અને આદિવાસી નેતા શ્રી મિતેશભાઈ પટેલ વચ્ચે રજૂઆત અને ફરિયાદનો દોર છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે. સરીગામ જીઆઇડીસીને અડીને આવેલો કરજગામના વિસ્તારના બોરિંગોમાં પાણી કલર યુક્ત આવવાની સમસ્યા યથાવત છે. જેને કાયમી નિરાકરણ માટે ગત તારીખ 10 ઓક્ટોબર 2024 ના રોજ અરજદારો શ્રી મિતેશભાઈ પટેલ અને એમની ટીમ બપોરે 3:30 કલાકે સરીગામ સ્થિત જીપીસીપીની કચેરી ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા. આ દરમિયાન શ્રી મિતેશભાઇ પટેલે જીપીસીપી કચેરીના નિયમો અનુસાર મુલાકાતિઓ માટેનારજીસ્ટરમાં પોતાની એન્ટ્રી કરી પટાવાળા મારફતે એક ચિઠ્ઠી મોકલાવી પ્રાદેશિક અધિકારી શ્રી એ.ઓ. ત્રિવેદી પાસે મુલાકાત માટે સમયની માંગણી કરી હતી. પરંતુ તે સમયે અધિકારીશ્રીએ આ આદિવાસીઓને મારે મળવું નથી કહી કચેરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
આ ઘટના બાદ આદિવાસી નેતા શ્રી મિતેશભાઈ પટેલ પાસે ઉચ્ચ કચેરીને રજૂઆત કરવા સિવાય વિકલ્પ ન બચતા એમને ઘટનાની વિગતવાર વર્ણન કરી ગાંધીનગર ખાતે સભ્ય સચિવ શ્રી અને ઉચ્ચ કચેરીને ધ્યાન દોરવાની ફરજ પડી હતી. આ રજૂઆતની ગંભીર નોંધ લેતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિના તપાસ વિભાગે તાત્કાલિક ધોરણે અરજદાર શ્રી મિતેશભાઈ પટેલ સહિત અસરગ્રસ્ત વિસ્તારના રજૂઆત કરનારાઓને બોરિંગોના પ્રદૂષિત પાણીના મુદ્દે યોગ્ય રીતે સાંભળી અને કરેલ કાર્યવાહી અને આદિવાસીઓને રજૂઆત માટે મુલાકાત ન આપવાના કારણનો અહેવાલ દસ દિવસમાં મોકલી આપવા આદેશ કરવામાં આવ્યો છે.