મંડળીમાં વંકાલ ગામના પૂર્વ સરપંચની રજૂઆતની તપાસમાં ગેરરીતિ બહાર આવતા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા નવેમ્બર-20માં વ્યવસ્થાપક કમિટીના સભ્યોને ગેરલાયક ઠરાવી કમિટીમાંથી દૂર કરી વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28: ચીખલી સ્થિત ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારું મંડળ લિ.માં સ્થાનિક આગેવાનો ખેડૂતો સહિતનાની લેખિત રજૂઆત બાદ જિલ્લા રજીસ્ટાર ડી.એમ.પટેલ દ્વારા સહકારીમંડળીઓના અધિનિયમની જોગવાઈ મુજબ વહીવટી કમિટીના સભ્ય તરીકે કિશોરભાઈ પટેલ, પરિમલભાઈ દેસાઈ, જીતેન્દ્રભાઈ પટેલ, અમ્રતભાઈ, લક્ષ્મણભાઈ રાઠોડ, સુમનભાઈ, રમણભાઈ પટેલ સહિતનાની નિમણૂક કરાતા તેઓએ આજે જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ, મહામંત્રી સમીરભાઈ, કાવેરી સુગરના ચેરમેન અનંદભાઈ દેસાઈ, વંકાલના પૂર્વ સરપંચ વાસંતીબેન, દીપકભાઈ, એપીએમસીના ડિરેકટર ધર્મેશભાઈ, જીવણભાઈ, હિતેશભાઈ, મજીદભાઈ મેમણ, કિસાન મોરચાના દિપકભાઈ સોલંકી સહિતનાની ઉપસ્થિતિમાં વહીવટદાર વી.સી.પટેલ પાસેથી વિધિવત ચાર્જ લેવામાં આવ્યો હતો.
તાલુકાની ઉપરોક્ત સહકારી સંસ્થામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની લેખિત રજૂઆત વંકાલ ગામના પૂર્વ સરપંચ વાસંતીબેન અને દીપકભાઈ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરાતા જેની તપાસ બાદ નવેમ્બર-20 માં જિલ્લા રજીસ્ટાર દ્વારા કરેલા હુકમમાં મંડળીના હોદ્દેદારોએ પોતે ધારણ કરેલા હોદાનો દુરઉપયોગ કરી પોતે તેમજ લાગતા વળગતાને ફાયદો કરાવવાના ઉદ્દેશથી સંસ્થાને મોટું આર્થિક નુકશાન કરેલ હોવાનું ફલિત થતું હોવાનું જણાવી જિલ્લા રજીસ્ટાર દ્વારા તત્કાલીન ચેરમેન સહિતના વ્યવસ્થાપક કમિટીના સભ્યોને સભ્યતરીકે ગેરલાયક ઠરાવી કમિટીમાંથી દૂર કરી વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી.
ચીખલી તાલુકા સહકારી અને વેચાણ કરનારું મંડળ લિ.ના પૂર્વ વહીવટકર્તા સામે વંકાલના પૂર્વ સરપંચની લેખિત રજૂઆતમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો કરાયા હતા. જેમાં સમરોલી સ્થિત મંડળીની જમીનમાં શોપિંગ સેન્ટર બનાવી દુકાનો, શોપિંગ સેન્ટરનો પહેલો માળ જાહેર હરાજી સહિતની કાયદેસરની કાર્યવાહી વિના તત્કાલીન ચેરમેને પોતાના કુટુંબના સભ્યો, જમાઈ અને માનીતાઓને આપી દઇ આર્થિક લાભ મેળવેલ સહિતનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત પેટ્રોલ પંપ સહિતની બાબતોએ તપાસ અને કાર્યવાહી વહીવટી કમિટી માટે પડકાર જનક રહેશે તે નિશ્ચિત છે.