(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના સાયલી સ્થિત નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને 150થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર બે વ્યક્તિઓની દાનહ પોલીસે અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીમાંથી અને ગુજરાતમાંથી નર્સિંગ કોર્ષ લેબોરેટરી ટેક્નીશિયન જેવા કોર્ષ કર્યા બાદનોકરી માટે એક મહારાષ્ટ્રના વ્યક્તિ દિપેશ અને નરોલી ગામના કમલેશ જેઓએ ટ્રેનિંગ આપ્યા બાદ નમો મેડિકલ કોલેજમાં સારા પગારની નોકરી અપાવવાના નામે અંદાજીત 150થી વધુ લોકો પાસે કોઈક પાસે એક લાખ તો કોઈક પાસે દોઢ-બે લાખ રૂપિયા લઈ લીધા હતા.
ત્યારબાદ તેઓને લદ્દાખમાં અને ગોવામા ટ્રેનિંગ માટે લઈ જવામા આવ્યા હતા, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી ન હતી. જેથી ભોગ બનનાર છોકરીઓ આ બન્ને એજન્ટોને ક્યાં તો અમને નોકરી અપાવો નહિ તો અમારા પૈસા પાછા આપો, જેથી આ એજન્ટોએ કેટલાક લોકોને ચેક આપ્યા હતા, પરંતુ તેઓએ જેવા બેન્કમાં ચેક નાખ્યા તો બાઉન્સ થઈ ગયા હતા. ઉપરોક્ત બંને ઠગબાજો સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં રોકાણકારોના મેડિકલ રિપોર્ટ બનાવી રહ્યા હતા તે સમયે ત્યાં નોકરી પર તૈનાત પોલીસ કર્મચારીઓને તેઓ પર શંકા જતા પોલીસે એજન્ટોને અને રકમ જમા કરાવનારને મેડિકલ કરાવવાનું કારણ પુછ્યુ ત્યારે જણાવેલ કે રકમ જમા લેનાર કંપની એમના રોકાણકારોનો મેડિકલ રિપોર્ટ લેવાનો છે.
આ બન્ને એજન્ટો પર એમની વાતમાં તથ્ય નહીં જણાતા અને શંકા જતા પોલીસ સ્ટેશન પર ફોન કરી દીધો હતો અને આ બન્ને વ્યક્તિને પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા. આ વાતની જાણલોકોને થતાં નરોલી, સામરવરણી, ભીલાડ તેમજ આજુબાજુના ગામના લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના સાયલી નમો મેડિકલ કોલેજના નામે છેતરપિંડીનો કેસ હોવાથી સાયલી પોલીસ સ્ટેશનમાં બન્ને ગઠ વ્યક્તિઓને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ભોગ બનનાર છોકરીઓ અને એમના વાલીઓ પહોંચી એમના જે પૈસા ફસાયા છે એ પરત મળે એના માટે ફરિયાદ અરજી આપી હતી.

