(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : દાદરા નગર હવેલીના બિન્દ્રાબિન માનીપાડા ગામ ખાતે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી પ્રવીણભાઈ જનાથીયાના નેતૃત્વમાં આદિવાસી જનજાગૃતિ સાંસ્કળતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અતિથિઓના હસ્તે ભગવાન બિરસા મુંડા અને ભારતના બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ અવસરે શ્રી અમોલભાઈ મેશ્રામે મહાપુરુષોના વિચારો વ્યક્ત કર્યા હતા અને સમાજમાં બાળકોને કેવી રીતે શિક્ષણ પ્રાપ્ત થાય એ બાબતે ચિંતન કરવા જણાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી પ્રવીણભાઈ જનાથીયાએ આદિવાસીઓના હક અધિકાર, પ્રદેશમાં ચાલી રહેલ સમસ્યા અને બેરોજગારી શિક્ષણસહિતના અનેક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં પાલઘર અને દાનહના આદિવાસી સિંગર શ્રી પ્રભાત નામકુડીયા, યુ ટયુબ કલાકાર શ્રી રવિ સાતપુતે સહિતની ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને ગ્રામજનોને મનોરંજન પૂરું પાડયું હતું.
કાર્યક્રમનું સૂત્ર સંચાલન શ્રી યશવંત જનાથીયાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ શ્રી પ્રભાત નામકુડીયાએ આટોપી હતી.