(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી ખાતે આવેલી નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનાર જાલસાજની દાનહ પોલીસ ધરપકડ કરી છે. આ ઠગબાજ વ્યક્તિએ અંદાજીત 1,28,00,000રૂપિયાની છેતરપિંડી કરી કેટલાક નિર્દોષ લોકોને શિકાર બનાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં બે અજાણ્યા વ્યક્તિ કેટલાક લોકોનું મેડિકલ કરાવી રહ્યા હતા તે સમયે ત્યાં ફરજ પરના પોલીસને શંકા જતાં તેઓની પૂછપરછ કરતા તેઓ દ્વારા યોગ્ય જવાબ નહીં મળતાં સેલવાસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યા બાદ બન્ને વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. જેઓ દાનહના સાયલી સ્થિત નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના નામે લાલચ આપી કેટલાક લોકો પાસેથી પૈસાની વસૂલી કરતા હતા.
લાલચનો ભોગ બનનાર લોકોને ખબર પડતાં સેલવાસ પોલીસ સ્ટેશન પર લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સાયલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાથી બન્ને અજાણ્યા વ્યક્તિને સાયલી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ કલમ 318(4), 336(2)બીએનએસ-2023 અંતર્ગત ગુનોનોંધવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા કમલેશ રવિન્દ્ર જાગડેની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછ કરતા જણાવેલ કે તે દરેક લોકોને નમો મેડિકલ કોલેજમાં લઈને જતો હતો અને બોગસ ફોર્મ એમની પાસે ભરાવતો હતો. જેના એક મહિના પછી નમો મેડિકલ કોલેજના નકલી આઈકાર્ડ પણ બનાવી આપતા હતો. એ દરેકને ભરોસો અપાવવા માટે એક વખત દરેકને પગાર પણ એમના બેંક ખાતામાં નાખી દેતો હતો અને તેઓને લદાખ યુનિવર્સિટીમાં ટ્રેંનિગના બહાને ફરવા ગોવા લઈ જવામાં આવતા હતા. જેના કારણે લોભી ભોગ બનનારાઓને એના પર વિશ્વાસ થઈ ગયો હતો અને તેઓ એમના પરિવારના લોકો તેમજ નજીકના લોકોને પણ સરકારી નોકરીની લાલચમાં કમલેશ સાથે મુલાકાત કરાવતા હતા. આ જ રીતે છેલ્લા છ મહિનાથી લોકો સાથે છેતરપિંડી કરતો રહેતો હતો. આ રીતે આરોપીએ અંદાજીત 1,28,00,000 જેટલા રૂપિયાની ઠગાઈ કરી કેટલાક નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. જેમાં દાનહ પોલીસે ઠગબાજની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Previous post