ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ અરૂણ સિંહે પ્રદેશમાં 70 હજાર કરતા વધુ પ્રાથમિક સભ્યો અને 1750થી વધુ સક્રિય સભ્યોની કરાયેલી નોંધણી બદલ પ્રગટ કરેલી પોતાની ખુશી
પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલે પણ કાર્યકર્તાઓને આપેલું પ્રેરક માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.08 : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી અરૂણ સિંહે આજે એક દિવસીય દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસ દરમિયાન સેલવાસ અને દમણ ખાતે ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
દમણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી અરૂણસિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં લગભગ નાની-મોટી મળી 1300 જેટલી રાજકીય પાર્ટીઓ નોંધાયેલી છે. જે પૈકી માત્ર અને માત્ર ભાજપમાં જ આંતરિક લોકશાહી છે. ભાજપમાં એક શિક્ષક કે ખેડૂતનો દિકરો રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ બની શકે છે. રેલવે સ્ટેશન ઉપર ચા વેચવાવાળો દેશનો પ્રધાનમંત્રી બની શકે એ ફક્ત ભાજપમાં જ શક્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં દરેક કાર્યકર્તા નેતા છે અને મોટામાં મોટો નેતા પણ પહેલાં કાર્યકર્તા છે.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી અરૂણ સિંહે પ્રદેશમાં 70 હજાર કરતા વધુ પ્રાથમિક સભ્યો અને 1750થી વધુ સક્રિય સભ્યોની કરાયેલી નોંધણી બદલ પોતાની ખુશી પ્રગટ કરીહતી. તેમણે દમણ અને દીવમાં આજે જો ચૂંટણી થાય તો ભાજપ પ્રચંડ બહુમતિથી વિજયી બને એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો. કારણ કે, હવે દમણ અને દીવના લોકોને પણ અહેસાસ થઈ રહ્યો છે કે, તેઓ ખોટી પસંદગી કરીને છેતરાયા છે.
આ પ્રસંગે પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે પણ કાર્યકર્તાઓને મનનીય માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભાજપના તમામ વરિષ્ઠ કાર્યકર્તાઓ અને સંગઠન પર્વની ચૂંટણી સાથે સંકળાયેલા પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીવથી દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લકમણે અને દીવ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી અમૃતાબેન બામણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.