(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તાધિકારી- નવી દિલ્હી અને રાજ્ય કાનૂની સેવા સત્તાધિકારી- દાદરા નગર હવેલીની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-દાનહ વતી, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તાધિકારી દ્વારા શનિવારે સેલવાસની જિલ્લા કોર્ટ પરિસરમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેક બાઉન્સના કેસો, શ્રમ વિભાગ, મોટર અકસ્માતના કેસો, જમીન સંપાદનના કેસો, રેવન્યુ કેસો, વૈવાહિક વિવાદો, ફોજદારી કમ્પાઉન્ડેબલ કેસો, બેંક તથા અન્ય ગ્રાહક કેસો, ગ્રામ પંચાયત હાઉસ ટેક્સ વગેરેનો સમાવેશ થયો હતો.
દરમિયાન વસૂલાતના કેસોને લગતા વિવાદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અત્રે આયોજીત લોક અદાલત સમક્ષ કુલ 2291 કેસો મૂકવામાં આવ્યા હતા જેમાંથી 79 કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ રૂા.1,38,76,915.7ની રકમનું સેટલમેન્ટ કરવામાં સફળતા મળી હતી.
આ અવસરે ડિસ્ટ્રીકટ જજ, બેંકના અધિકારીઓ, બાર એસોસિએશનના સભ્યો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં અરજદારો અને સામા પક્ષકારો હાજર રહ્યા હતા.