-
ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ સુશાસન સપ્તાહનો કરાવેલો પ્રારંભ -
રાજ્યના પાણી પુરવઠા અને કલ્પસર મંત્રી જીતુભાઈ ચૌધરીએ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીને દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરી વંદન કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26:
રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન પદમાનિત સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિવસ તા. 25 મી ડિસેમ્બરને સુશાસન દિનથી પ્રારંભ કરાયેલા અને તા. 31 મી ડિસેમ્બર સુધી યોજાનારા સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે વલસાડજિલ્લાના પારડી તાલુકાના વાપી નગરપાલિકા ખાતે રાજયના નાણાંમત્રીશ્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં મંત્રીશ્રીના અને મહાનુભાવોના હસ્તે મંચ પરથી ટોકનરૂપે વિધવા સહાયના 6, જન્મનો દાખલાના 4, નામ કમીના 2, વિકલાંગોના બસ પાસના 3 અને આરોગ્યના 5 મળી કુલ 20 લાભાર્થીઓને લાભો અપાયા હતા.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સ્વ. અટલબિહારી વાજપેપીયએ લોકોને, લોકો માટે લોકોપયોગી યોજનાઓ નો લાભ સીધો જ છેવાડાના માનવીને મળતો થાય તેવા સુશાસન સાથે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને મૂર્તિમંત કરીને કલ્યાણકારી રાજયની નેમ સાથે પ્રારંભ કરાયેલા કાર્યોને હજુ આગળ વધારવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્ર સરકારની જનધન યોજના, સ્વચ્છ ભારત મિશન, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી લોકકલ્યાણની યોજનાઓ કાર્યરત કરી શ્રી અટલબિહારીજીના કાર્યોને ગતિ આપી છે એમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આજના દિને સ્વ. અટલબિહારીજીને યાદ કરી તેમને વંદન કર્યા હતા.
રાજ્યની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે પણ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી આ વિકાસયાત્રા ચાલુ રાખી છે. રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભપ્રજાને સતત મળતો રહે તે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણુંને ઘ્યાને લઇ પ્રજાજનોના વ્યકિતગત પ્રઁો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઇ શકે તે હેતુને ઘ્યાને લઇ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ આ તબક્કે જણાવ્યું હતું.
આ અવસરે રાજ્યના પાણી પુરવઠા અને કલ્પસર મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીને દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરી આજના સુશાસન દિવસે વંદન કર્યા હતા. સેવાસેતુના માધ્યમથી સરકાર આપણા ઘરઆંગણા સુધી આવી છે અને પ્રજાજનોને તેમના લાભો એક જ દિવસે એક જ સ્થળે મળી રહે છે. તેમ જણાવ્યું હતું.
સેવાસેતુ કાર્યક્રમમાં 1169 અરજીનો સ્થળ પર નિકાલ કરાયો હતો. જેની વિગતો જોઇએ તો મા કાર્ડના 60, રાશનકાર્ડના 82, આધારકાર્ડના 130, આકારણીપત્રકના 35, જન્મ/મરણના દાખલા 55, વિધવા સહાયના 10, નિરાધાર વૃઘ્ધોને સહાયના 4, દિવ્યાંગ પ્રમાણપત્રના 4,કોવિડ વેકસીનેશનના 190, ઉંમરનો દાખલાના 60 એમ વિવિધ લાભો લાભાર્થીઓને એક જ દિવસે એક જ સ્થળેથી આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશમીરા શાહ, ઉપ પ્રમુખશ્રી અભયભાઈ શાહ, કારોબારીચેરમેનશ્રી મીતેષભાઇ દેસાઇ, ભા. જ. પ. શહેર પ્રમુખશ્રી સતીષભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષભાઇ ગુરૂવાની, વાપી મામલતદારશ્રી તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

